Vadodara

– છાણી વિસ્તારમાં ચાની લારીવાલાએ બનાવ્યો મોદી બ્રિજ 

– રસ્તાની સાઈડ ઉપરના આડેધડ ખોદકામથી ત્રાસેલા લારી ચાલકે પાટિયું મૂકી તેને મોદી બ્રિજ નામ આપ્યું 

– ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કાર્ય બાદ દિવસોના દિવસો સુધી પુરાતા નથી 

(પ્રતિનિધિ) વડોદરા, તા. 23 

શહેરના છાણી વિસ્તારમાં એક ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો છે અને તેને મોદી બ્રિજ નામ આપ્યું છે. જે હાલ ગ્રાહકોમાં પણ આકર્ષણ બન્યું છે. 

કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી દેવામાં આવે છે પરંતુ ત્યાર બાદ નિયત સમયમાં તેનું પુરાણ કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી નથી. ત્યારે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરાણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી નાખી વ્યવસાય કરતા વેપારીએ પાટિયું મૂકી આવવા જવા માટેનો રસ્તો બનાવ્યો છે. અને તેને મોદી બ્રિજ નામ આપવામાં આવ્યું છે. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓના વ્યવસાય ઉપર અસર પડતા ચાની લારી ધારકે આ પગલું ભર્યું હતું. મોદી ભક્ત ચાની લારી ધારકે મોદી બ્રિજ બનાવી કોર્પોરેશનને ટકોર કરી હોય તેમ લાગી રહ્યું છે. જો કે ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે

Most Popular

To Top