- 8 દિવસ સુધી બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો
- વાહનચાલકોએ દુમાડ ચોકડી સુધી ફેરો ફરવામાંથી મુક્તિ
શહેરના એક પ્રવેશદ્વાર એવા છાણી ફ્લાય ઓવરને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો . બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના કારણે આ બ્રિજ ઉપર 8 દિવસ સુધી વાહન વ્યવહાર ઉપર રોક લગાવવામાં આવી હતી જે મંગળવારથી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. છાયાપુરી સ્ટેશન નજીક ટ્રેન માટેનો બ્રિજ તૈયાર થઇ ગયો છે. ત્યારે હવે છાણી ફ્લાય ઓવર પાસે તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ કામગીરીના પગલે છાણી ફ્લાય ઓવર 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યો હતો. અને વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ કામગીરી સોમવારે સાંજે પૂર્ણ થઇ ગઈ હતી અને મંગળવારથી આ બ્રિજ પુનઃ વાહનવ્યવહાર માટે શરુ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ રહેતા આણંદ – વાસદ તરફથી આવતા વાહનચાલકોએ દુમાડ ચોકડી સુધીનો ફેરો ફેરવો પડતો હતો. તો એસ.ટી. બસોએ પણ દુમાડ ચોકડી થઈને જવું પડતું હતું જેમાંથી હવે રાહત મળી છે.