ફાયર બ્રિગેડની કલાકોની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢાયો
પ્રેમપ્રકરણને લઈને પગલું ભર્યાની પ્રાથમિક આશંકા, પોલીસ તપાસ શરૂ
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક ડૂબી જવાની ઘટનામાં ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
માહિતી મુજબ, ફાયર સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં કોલ મળતા જ છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બોટ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે મહીસાગર ખાતેથી તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

કલાકોની મહેનત બાદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ કૃણાલ પાર્ટે તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમપ્રકરણને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.