Vadodara

છાણી જકાતનાકા જલારામ મંદિર પાસેથી નશાની હાલતમાં ફોર વ્હીલર ચાલક ઝડપાયો

ફતેગંજ પોલીસે કાર ચાલકને ઝડપી પાડી બ્રેથ એનેલાઇઝર થી ચેક કરતાં તે નશો કરીને વાહન ચલાવતો હોય તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર સામેના રોડ પર વાંકીચૂકી અને અન્ય વાહનોને જોખમાય તે રીતે ચાલતી ફોર વ્હીલર ને ફતેગંજ પોલીસે રોકી તપાસ કરતાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાતાં બ્રેથ એનેલાઇઝર થી તપાસ કરતાં તે નશો કરીને વાહન હંકારી અન્ય માટે જોખમ ઉભું કરી શકે તેમ હોય તેને ઝડપી પાડી ફતેગંજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ફોર વ્હીલર થી અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે શહેરમાં અગાઉ અકોટા દાંડિયાબજાર બ્રિજ પર ફોર વ્હીલર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું,ગત તા. 13 માર્ચના રોજ નશાની હાલતમાં રક્ષિત ચોરસિયા એ આઠેક લોકોને અડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું તેના થોડાક દિવસો બાદ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં કાર ચાલકે નશાની હાલતમાં આઠેક વાહનોને અડફેટે લીધા હતા .ગત તા.06 એપ્રિલના રોજ સુપરબેકરી થી કિશનવાડી ટર્નિગ પાસે ફોર વ્હીલર ચાલકે વૃદ્ધ સાયકલ સવારને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું ગત તા 11એપ્રિલના રોજ સુભાનપુરા વિસ્તારમાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બે ઇજાગ્રસ્ત થયા હતા, ગોત્રી માં નશાની હાલતમાં કાર ચલાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઇ પલટી ખાઇ ગઇ હતી ગત તા 25 એપ્રિલના રોજ રાત્રિ બજાર પાસે ટોઈંગ કરેલ ફોર વ્હીલર ને અન્ય ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.શહેરમા છેલ્લા ઘણાં સમયથી નશાની હાલતમાં ફોર વ્હીલર ચાલકો નિકળે છે જે અન્ય લોકો માટે કાળરૂપી બની રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા શરાબના અડ્ડા, શરાબના વેચાણ પર અંકુશ, રાત્રિ દરમિયાન નશાની હાલતમાં અને ફૂલ સ્પીડમા વાહનો હંકારતા વાહનચાલકો વિરુદ્ધ જે પ્રમાણે તટસ્થતાથી કામગીરી થવી જોઇએ તે થતી નથી બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરા તથા તેના કંટ્રોલ રૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોય તેમ જણાય છે.ત્યારે ગત તા 01મે ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન રાત્રે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા જલારામ મંદિર સામે રોડ પર વાંકીચૂકી અને અન્ય લોકો માટે જોખમરૂપ બને તે રીતે એક સફેદ રંગની મહિન્દ્રા કંપનીની એક્સયુવી 700જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પી જે -4064 ના ચાલકને રોકી તેની તપાસ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું જેથી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હિમાંશુ જયંતીભાઈ પટેલ હોવાનું તથા પોતે એમ.પી.પટેલ હાઇસ્કૂલ ની પાછળ દશરથ ગામે રહેતો હોવાનું તથા ખેતીકામ કરતો હોવાનું તોતડાતી જીભે જણાવ્યું હતું જેથી ફતેગંજ પોલીસે લથડિયાં ખાતા હિમાંશુ પટેલ ને બ્રેથ એનેલાઇઝર થી તપાસ હાથ ધરતાં તેણે નશો કર્યાનું જણાયું હતું સમગ્ર મામલે ફતેગંજ પોલીસે હિમાંશુ પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top