Vadodara

છાણી કેનાલ રોડ પર બુટલેગરે મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ ફેંકી

વડોદરામાં ફરી દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

(વડોદરા, તા. 11)
વડોદરા શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના છાણી કેનાલ રોડ વિસ્તારમાં બુટલેગર દ્વારા મોટી સંખ્યામાં દેશી દારૂની પોટલીઓ બેફિકર રીતે ફેંકી દેવામાં આવતાં, વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે.
વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર જાણે આંખે પટ્ટી બાંધી બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આવા બનાવો પોલીસના દાવાઓને પોકળ સાબિત કરે છે.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જે રીતે દારૂનું વેચાણ અને સેવન ચાલી રહ્યું છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે વડોદરામાં દારૂબંધી માત્ર નામ પૂરતી રહી છે. હવે ફરી એકવાર છાણી કેનાલ રોડ પર દેશી દારૂની પોટલીઓ બુટલેગર દ્વારા બેફામ રીતે ફેંકી દેવામાં આવતાં દારૂબંધીની હકીકત નરી આંખે જોવા મળી રહી છે.
આ દારૂની પોટલીઓ કયા બુટલેગર દ્વારા અહીં નાખવામાં આવી અને તે ક્યાંથી લાવવામાં આવી તે બાબતે પોલીસ સંપૂર્ણપણે અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાને લઈને પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Most Popular

To Top