શહેરના છાણી કેનાલ નજીક આવેલા રોમન પાર્કમાં કચરો ફેકવા ગયેલા યુવક તથા તેના કાકા કાકી પર અજાણ્યા શખ્સોએ હૂમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી.
શહેરના છાણી કેનાલ નજીક આવેલા રોમન પાર્કમાં રહેતા વિનય ખ્રિસ્તી આજે સાંજના સુમારે કેનાલ નજીક કચરો નાખવા માટે ગયો હતો. તે દરમિયાન કેટલાક શખ્સોએ વિનયને બોલાવ્યો હતો. પરંતુ વિનયે સામેના શખ્સોને કોઇ જ પ્રત્યુતર ન આપતાં તે અજાણ્યા બે શખ્સોએ વિનયને દબોચી લીધો હતો અને માર માર્યો હતો. ત્યારબાદ પત્થર મારતાં વિનયને માથામાં ઇજા પહોંચી હતી. જેથી તે લોહીલુહાણ હાલતમાં દોડતો પોતાના કાકા જ્હોન અને કાકી ભાવના વાઘેલાને બચાવવા બુમો પાડી હતી. જેથી કાકા અને કાકી ઘરમાંથી બહાર આવી કંઇક સમજે તે પહેલાં વિનયની પાછળ આવેલા પાંચ થી છ જેટલા અજાણ્યા શખ્સોએ ઘરમાં પત્થરમારો કરતાં ઘરના કાચ તૂટી ગયા હતા.

તેઓએ ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશી રસોડામાંથી ચાકુ લઈ વિનયના કાકા કાકી તથા તેમના ઘરમાં કાકાના મિત્ર પર હૂમલો કર્યો હતો સાથે જ ઘરમાં ટેલિવિઝન સહિતના સામાનની તોડફોડ કરી હતી સાથે જ કાકી સાથે છેડતી કરી હતી.અજાણ્યા શખ્સો એટલા ઝનૂની બની ગયા હતા કે વિનય અને તેના કાકા કાકી માંડ માંડ બચ્યા હતા અને ઇજાગ્રસ્ત ભત્રીજા સાથે ત્રણેય તાત્કાલિક એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચ્યા હતા

.વિનયના કાકી ભાવનાબેન વાઘેલા અમદાવાદમાં નોકરી કરતા હોય તેઓ અઠવાડિયા દસ દિવસે વડોદરા આવે છે. આ અજાણ્યા શખ્સોમાથી કેટલાક લોકો રોમન પાર્કમાં સાયકલ લઈને ફેરી મારવા માટે આવતા હોવાનું વિનયે જણાવ્યું હતું જ્યારે આ લોકોના નામ સરનામાની કોઈ માહિતી નથી.પરંતુ શહેરમાં જે રીતે ગુંડાગીરી અને ગુનાઇત માનસિકતા ધરાવતા લોકોની હિંમત વધી રહી છે તે જોતાં સામાન્ય લોકો હવે ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

