વડીના પેકેટમાં ફરતા જીવતા જીવડા મળી આવ્યા
જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં બંસલ સુપર માર્કેટનો એક વીડિયો એક જાગૃત ગ્રાહક દ્વારા વાઇરલ કરાયો હતો, જેમાં મોલમાં વેચાતી વડીમાં જીવતા જીવડા ફરતા જોવા મળ્યા હતા. આ ગ્રાહક બંસલ મોલમાં ઘર માટે રસોઈનો સામાન લેવા ગયા હતા. ત્યારે તેમણે સોયાબિનની વડીનું પેકેટ લેવાનું હતું. ગ્રાહકે વડીના પેકેટને જોવા ઉપાડ્યું, ત્યારે તેમાં જીવતા જીવડા જોવા મળ્યા હતા. ગ્રાહકે આ પેકેટ સહિત મોલનો પણ વિડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ ગ્રાહકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ વીડિયો મુકયો હતો.
આ ઘટનાને પગલે બીએમસીની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. પાલિકાની ટીમો લારી, ગલ્લા, દુકાનોને તો પહોંચી શકતી નથી, મોલ તો દુરની વાત રહી . એક પછી એક ખાદ્ય પદાર્થોમાં બેદરકારીની ઘટનાઓ સામે આવી રહી છે, પાલિકા ક્યારે આંખો ઉઘાડશે અને પોતાની કામગીરી પર પૂરું ધ્યાન આપશે એવા અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે.
ખોરાક શાખા અને આરોગ્ય વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતાથી સામાન્ય નાગરિકો ભેળસેળવાળો ખોરાક ખાવા મજબૂર
પાલિકાના ખોરાક શાખા અને આરોગ્ય વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય નાગરિકો ભેળસેળવાળો ખોરાક ખાવા મજબૂર બની રહ્યા છે. પોતાનું કામ યોગ્ય રીતે નહીં કરનાર અધિકારીઓ પર પાલિકાના કમિશનર દિલીપ રાણા ક્યારે કડક પગલા લેશે? ક્યારે આવા અધિકારીઓને ઘર ભેગા કરશે એવા અનેક સવાલો ઊભા થયા છે. વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખાના અધિકારી પ્રશાંત ભાવસારે અને મુકેશ વૈદ્ય માત્ર દેખાડવા પૂરતું જ કામ કરે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે.
જાણીતી દુકાનોની બેદરકારી પ્રત્યે પાલિકાના અધિકારીઓના આંખ આડા કાન
આ પહેલા પણ લક્ષ્મી ફરસાણ નામની દુકાનમાંથી કોંગ્રેસના શહેર મહામંત્રીએ મીઠાઇ ખરીદી હતી. બીજા દિવસે મીઠાઇને ખોલતા તેમાં ફૂગ બાઝેલી મળી આવી હતી. જેથી તેઓ તુરંત દુકાને પહોંચ્યા હતા સાથે જ પાલિકામાં પણ જાણ કરી હતી. જે બાદ પાલિકાની ટીમોએ સ્થળ તપાસ કરીને નોટીસ ફટકારી હતી. જે બાદ વધુ એક વખત લક્ષ્મી ફરસાણને ત્યાં પાલિકાની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. લક્ષ્મી ફરસાણ પછી, અનેક વાર વિવાદો માં આવતી જગદીશ ફરસાણ નામની દુકાનનો વિવાદ પણ ફરી સામે આવ્યો હતો. અહીં એક ગ્રાહકે ઑનલાઇન મીઠાઈ મંગાવી, જેના પેકિંગ પર “ઉપયોગ માટેની સમયમર્યાદા” ની સૂચના તો લખેલી હતી, પરંતુ “તે ક્યારે બનાવાઈ હતી?” એ સ્પષ્ટ નહોતું. ગ્રાહકે દુકાનનો સંર્પક કર્યો તો કહેવાયું કે અમે તાજી મીઠાઈ પેક કરીને આપીએ છીએ તેથી મેનુફેકચર ડેટ લખવાની જરૂર નથી. જગદીશની આ મીઠાઈ ગ્રાહકને મળી ત્યારે તે પેક સિલ થયેલું હતું. ગ્રાહકને સિલ પેક વાળી મીઠાઈ ક્યારે બની તે કેમ ખબર પડે. દુકાનના ડિસ્પ્લે માં પણ મીઠાઈ કયારે બની એનો ઉલ્લેખ નથી. આ બાબતે ફૂડ વિભાગના અધિકારી ડૉ. મુકેશ વૈદ્યનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા. આજના સમયમાં, શહેરમાં અનેક ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટો કાર્યરત છે, પરંતુ ફૂડ વિભાગ દ્વારા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં નિષ્ફળતા જોવા મળે છે.
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ
જો યોગ્ય ચેકિંગ ન થાય અને દોષિતોને આકરી સજા ન કરવામાં આવે, તો નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતો રહેશે. આવી ઘટનાઓને જોતા, ફૂડ વિભાગની ભૂમિકા પર પણ શંકા ઊભી થાય છે. જો પાલિકા દ્વારા નિયમિત ચેકિંગ કરાયું હોત, તો લક્ષ્મી ફરસાણ, જગદીશ ફરસાણ, અને તાજેતરમાં બંસલ મોલ ની વડીના પેકેટ માં જીવતી જીવાત જેવા લોકોને અખાદ્ય અને મીઠાઈ વેચી શકતી ના હોત. જો ફૂડ વિભાગના અધિકારીઓ જવાબદારી લેતા હોત, તો નાગરિકોને સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી શકે. પરંતુ, આજની પરિસ્થિતિ બતાવે છે કે ફૂડ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે જ આવાં કિસ્સાઓ બને છે. ફૂડ વિભાગના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી તેઓ જવાબદારી લે અને નાગરિકોના આરોગ્ય માટે કાર્ય કરે.
