વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી નહિ મળતા સ્થાનિકોના ધરણા

વડોદરા શહેરના છાણીના એકતા નગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પાણી અને પીવાના પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ વોર્ડ નં બેની કચેરી ખાતે માટલા ફોડી વિરોધ કર્યો હતો.
ઉનાળાની ઋતુ પ્રારંભ દરમિયાન પીવાના પાણીની માંગ વધતા અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાય છે..પરંતુ તેની સાથે સાથે ગંદા પાણીની સમસ્યાનો પણ વધારો થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવવાને કારણે પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી મિશ્રિત થતા ઠેર ઠેર ગંદા પાણીની ફરિયાદોમાં પણ ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
આજે છાણીના એકતા નગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાને મુદ્દે કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેને ધ્યાનમાં રાખી આજે સ્થાનિક રહીશોએ વોર્ડ નં 2 ની કચેરી ખાતે મોરચો કાઢી માટલા ફોડી પીવાના પાણીની સમસ્યા હલ કરવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સમગ્ર છાણીના એકતા નગર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી આવી રહ્યું નથી. તો અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી અને સમયસર પણ આવતું નથી. આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી પણ રહે છે અને રમઝાન મહિનો ચાલે છે. ત્યારે તમામ મુસ્લિમ સમાજ રોઝા રાખતા હોય છે ત્યારે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. એટલું જ નહીં અમારે પાણી વેચાતું લાવવું પડે છે. આ સમગ્ર બાબત અંગે કોર્પોરેશનમાં તેમજ સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી કોર્પોરેશનનું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. જેને કારણે આજે વોર્ડ નં બે ની કચેરી ખાતે અમે એકતા નગર ના રહીશો એકત્રિત થઈ માટલા ફોડી ઊંગતા તંત્ર ને જગાડવા આવ્યા છીએ. આજે અધિકારી અમારા વિસ્તારમાં આવી સમસ્યા નો તાત્કાલિક ધોરણે ઉકેલ નહિ લાવે ત્યાં સુધી અમે કચેરી માં ધરણા કરવામાં આવશે.
