Vadodara

છાણીના એકતા નગરમાં પાણીજન્ય રોગચાળો: 10 દિવસે મુલાકાતે આવેલા આરોગ્ય અમલદારનો સ્થાનિકોએ હુરિયો બોલાવ્યો!


દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી.

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. કમળો, ઝાડા, ઉલટી સહિતના રોગોના અનેક દર્દીઓ સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટર તેમજ અન્ય દવાખાનાઓમાં દાખલ છે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જ ફાટી નીકળેલા આ રોગચાળાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીમાં પીળાશ આવવા અંગે અને રોગચાળાની જાણ તંત્રને દસ દિવસ અગાઉ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા, આજે દસ દિવસે સ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા પાલિકાના હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરીને હુરિયો બોલાવ્યો હતો અને તેમને ઘેરી લીધા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દસ દિવસ અગાઉથી જ પીવાના પાણીમાં પીળાશ આવતી હોવાની ફરિયાદ પાલિકા તંત્રને કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક કોર્પોરેટરોને પણ સચેત કરાયા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ ફરક્યું નહોતું. પાણીજન્ય ઝાડા, ઉલટી અને કમળા જેવા રોગચાળામાં બાળકો સહિત અનેક લોકો સપડાયા છે. આજે દસ દિવસે આરોગ્યની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચેલા હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યને સ્થાનિકોએ ઘેરી વળીને ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે રજૂઆતો કરવા છતાં આરોગ્ય ખાતાના પેટનું પાણી પણ હાલ્યું નથી. તંત્રનો કોઈ કર્મચારી કે અધિકારી પણ તપાસ માટે આવ્યા નહોતા અને માત્ર પાણીના સેમ્પલો લઈને આરોગ્ય ટીમે સંતોષ માન્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ હંગામી આરોગ્ય અમલદારનો ઘેરાવો કરીને ઉગ્ર રજૂઆત કરી ત્યારે મુકેશ વૈદ્યએ કબુલાત કરી હતી કે તંત્રની જરૂર ક્યાંક કચાશ રહી ગઈ હોવાની શક્યતા છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં વર્ષો પેહલા પાણીની લાઈન નાખવામાં આવી હતી, અને ક્યાંક ને ક્યાંક ગટરનું ગંદુ પાણી મિશ્રિત થવાના કારણે આ રોગચાળો ફેલાયો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓને માત્ર એક કે બે દિવસ રાખીને રજા આપી દેવાય છે અને યોગ્ય સારવારનો અભાવ છે. વિસ્તારના કેટલાય બાળકો કમળાના પાણીજન્ય રોગચાળાથી પીડાઈ રહ્યા છે.
વધુમાં, સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોર્પોરેટરોને પણ સવારે આવતા પીળા પાણી વખતે હાજર રહેવા વારંવાર કહેવા છતાં કોઈએ મુલાકાત સુધ્ધા લીધી નથી. જો પાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો આગામી સ્થાનિક ચૂંટણીનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે.
હાલ દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે બીમાર બાળકોને લઈને દવાખાનાના ધક્કા ખાવાની નોબત આવી છે. રોગચાળાની પરિસ્થિતિમાં ઝઝુમી રહેલા એકતા નગરમાં દસ દિવસ અગાઉ જાણ થઈ હોવા છતાં રૂબરૂ મુલાકાત લેવાનો સમય હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યને આજે મળ્યો હતો .

આશ્વાસન આપી પોતાનો બચાવ કરતા આરોગ્ય અમલદાર

મુકેશ વૈદ્યે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પાલિકાની આરોગ્ય ટીમ છેલ્લા એક અઠવાડિયાથી સતત કાર્યરત છે અને પાણીના અનેક સેમ્પલો લેવાયા છે. તેમણે એવો પણ એકરાર કર્યો હતો કે પાણીજન્ય રોગચાળાથી પીડિત કેટલાક દર્દીઓ સયાજી હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા, જોકે હાલમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. તેમણે વોટર વર્કસ ખાતા સાથે સંકલન કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે, દસ દિવસ પછીની આ કાર્યવાહી અને માત્ર આશ્વાસનથી સ્થાનિકોનો રોષ શાંત થયો નહોતો.

Most Popular

To Top