
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છાણી L&T સર્કલથી મધુનગર બ્રિજ સુધીના લારી ગલ્લા, કાચા અને પાકા શેડ સહિતના દબાણો પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા ગુરુવારે સવારથીજ દૂર કરવાનું કામ શરું કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સવારથી ગધેડા માર્કેટ ચાર રસ્તા થઈને ઠેકરનાથ સ્મશાન તરફ જતા મુખ્ય રોડ પર ગેરકાયદે બનેલા 8 જેટલા ઓટલા, કેટલીય દુકાનોની આગળના કાચા શેડ સહિતના દબાણોનો સફાયો કરવામાં બે જેસીબી મશીનના સાથે રાખી કામગીરી હાથ ધરી હતી.

દબાણ શાખાની ટીમે વારસિયા પોલીસ બંદોબસ્તને સાથે રાખી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે ફાયર ફાઈટર, સ્ટ્રીટ લાઈટ વિભાગનો સ્ટાફ, તથા મેડિકલની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોના ટોળેટોળા તમાશો જોવા એકત્ર થયા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરના છાણી વિસ્તાર ખાતેના સર્કલથી મધુનગર બ્રિજ સુધી રોડ રસ્તાની બંને બાજુએ ખાણીપીણીની ગેરકાયદે લારીઓ, તથા મોટર ગેરેજના શેડ ઠેર-ઠેર થઈ જતા રોડ રસ્તા સાંકડા થવા સહિત વાહન ચાલકો અને રાહદારીઓને પણ ચાલતા જવામાં જીવના જોખમે અને અકસ્માતના ભય સાથે પસાર થવું પડે છે. જેથી આ રોડ રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો હતો. આ કાર્યવાહીમાં ફતેગંજ પોલીસ બંદોબસ્ત સાથે રહ્યો હતો. સાથે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં સવાદ ક્વાર્ટર્સથી ન્યુ વીઆઈપી રોડ ગધેડા માર્કેટ ચાર રસ્તાથી ઠેકરનાથ સ્મશાન જવાના મુખ્ય રોડ પર આઠ જેટલા પાકા ઓટલા, દુકાનદારોએ બનાવેલા કાચા શેડ સહિતના ગેરકાયદે દબાણો બે જેસીબી મશીન કામે લગાડી તોડી પાડી રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા. આ કાર્યવાહીમાં સાવચેતી રૂપે ફાયર બ્રિગેડ, મેડિકલ અને સ્ટ્રીટ લાઈટ વિભાગની ટીમ સાથે રાખી કામગીરી કરાઈ હતી.

વડોદરામાં ગઈકાલે પોલીસ બંદોબસ્ત મળ્યો ન હતો તે બાદ આજે પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ તુંરત ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
