ભીડ નિયંત્રણ અને સલામતી વ્યવસ્થાનો લીધો તાગ, ટ્રાફિક અને બચાવ કાર્ય માટે વિશેષ આયોજનના આદેશ



વડોદરા આગામી છઠ મહાપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહીસાગર નદીના કિનારે આવેલા કોટના બીચ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં છઠ પૂજા માટેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

છઠ મહાપૂજાના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહીસાગર નદીમાં ‘અર્ઘ્ય’ અર્પણ કરવા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર અને અધિકારીઓએ કોટના બીચ પર શ્રદ્ધાળુઓની સલામતી, ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કરવામાં આવેલી તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન, પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસ અને આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નદી કિનારે પૂરતી લાઇટિંગ, બેરિકેડિંગ, અને ડૂબતા અટકાવવા માટેના સલામતી પગલાંની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા અને ટ્રાફિક જામ ન થાય તે માટે ખાસ આયોજન કરવા સૂચનાઓ આપી હતી.
પોલીસ કમિશનરે છઠ પૂજાના આયોજકો સાથે પણ વાતચીત કરી હતી અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ વિભાગે શ્રદ્ધાળુઓને કોઈપણ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પૂજા કરી શકે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી છે.