તલસટ ગામે બાઈક ચોરીનો બનાવ, ચોર CCTVમાં કેદ
વડોદરા :
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તલસટ ગામમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ઘરની બહાર પાર્ક કરેલી બાઈકને ચોર નિર્ભયતાથી ચાલુ કરી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની હિમ્મતભરી કાર્યવાહી નજીકના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરાની સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રણછોડભાઈ પંચાલ મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ સવારે અંદાજે 10:30 વાગ્યે તેઓ તલસટ ગામે સુખદેવભાઈ ઠાકોરના ઘરે મંદિર બનાવવાના કામ માટે ગયા હતા. તેમણે પોતાની બાઈક ઘરની બહાર પાર્ક કરી અંદર કામ કરવા ગયા હતા.
બપોરે અંદાજે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે જમવા માટે બહાર આવ્યા ત્યારે બાઈક સ્થળ પરથી ગાયબ હતી. આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાઈકનો કોઈ પતો ન લાગતા તેમણે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં બપોરના લગભગ 1 વાગ્યાના અરસામાં એક શખ્સ આવી પહેલા બાઈક દોરીને આગળ લઈ જાય છે અને ત્યારબાદ ધોળા દિવસે બાઈક સ્ટાર્ટ કરી નિર્ભયતાથી ચોરી કરી ફરાર થઈ જાય છે તે સ્પષ્ટ રીતે દેખાય છે.
આ ઘટનાને લઈને સુરેશભાઈ પંચાલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચોરને ઝડપી પાડવા માટે તપાસ અને તજવીજ શરૂ કરવામાં આવી છે.