કરોડોના પ્રોજેક્ટ છતાં પણ સુરક્ષાની ગેરંટી કેમ નહીં?
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા 200 જેટલા તરાપાની ખરીદી ચર્ચાનો વિષય બની છે. એક તરફ રાજ્ય સરકારે વિશ્વામિત્રી નદીની સફાઈ અને પુનરુત્થાન માટે 1200 કરોડ રૂપિયાનું વિશાળ અનુદાન આપ્યું છે, ત્યારે આ કદમથી એ દ્રષ્ટિએ અનેક સવાલો ઉભા થયા છે કે શું પાલિકાને પોતાના જ કાર્યક્ષમ પ્રોજેક્ટ પર વિશ્વાસ નથી? વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની ઊંડી અને પહોળી કરવી, કાંસોની સફાઈ અને નદીકાંઠાના વિસ્તારોનું વિઝનરી વિકાસ ચાલુ છે. કરોડોની રકમ ખર્ચ થઈ રહી છે, છતાં વિપત્તિ નિવારણ માટે પાલિકા તરફથી તરાપા ખરીદવા જેવી તજવીજ જોઈને લોકો ચકિત છે.
મળતી માહિતી મુજબ આ તરાપા અલગ-અલગ વોર્ડમાં વિતરણ માટે તૈયાર કરાઈ રહ્યા છે. આમ, જો પાણી ભરાવાની સ્થિતિ ઉભી થાય તો તાત્કાલિક રાહત આપવા માટે આ પગલું લેવાયું છે એવું માનવામાં આવે છે. પરંતુ, આમ કરવાથી પાલિકા દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટની કાર્યક્ષમતા પર સવાલ ઊઠે છે. જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે કે જો સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કરોડોના બજેટ છતાં શહેર પૂરમુક્ત ન થઈ શકે, તો શહેરીજનોને પણ પોતાના ઘરમાં તરાપા રાખવાની તૈયારી રાખવી પડશે.
તરાપામાં તંત્રનો ભરોસો : ડો. શીતલ મિસ્ત્રીના સૂચન પર હવે પગલાં?
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે 200 જેટલા તરાપાની ખરીદીને લઈને ચર્ચા થઈ રહી છે. જ્યારે રાજ્ય સરકાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડના અનુદાનની જાહેરાત કરી રહી છે, ત્યારે આ તરાપાવાળી દરખાસ્ત સામે ગંભીર સવાલો ઊભા થાય છે, શું પાલિકાને પોતાની નદી સફાઈ અને પૂર નિયંત્રણની યોજનાઓ પર જ વિશ્વાસ નથી? એવું લાગી રહ્યું છે કે નદીમાં પુર આવે તો પાલિકા પહેલેથી લોકોના હાથમાં “તરાપા” આપીને જવાબદારીમાંથી હાથ ખેંચી લેવા માગે છે. આ વિવાદિત વિચારના મૂળમાં છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીનું જૂનું નિવેદન, જ્યાં તેમણે લોકોને દોરડા, ટ્યુબ અને તરાપા વસાવી લેવાનું સૂચન કર્યું હતું. ત્યારે એ વાત લોકો માટે ઉપહાસનો વિષય બની પણ હવે જયારે શહેરી તંત્ર એજ વાતને અમલમાં મૂકી રહ્યું છે, શહેર હજુ આખું ઉઘાડું છે, નદીની સફાઈ અધૂરી છે, ડ્રેનેજ સિસ્ટમ ક્ષમતા બહાર છે અને આ બધાની વચ્ચે તંત્ર “તરાપા ખરીદી”ને ઉકેલ માની રહ્યું છે.
STP અને MPS કામ માટે રૂ.245 કરોડથી વધુ ખર્ચ કરવાની ભલામણ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આગામી બેઠક તા. 19 એપ્રિલ, 2025ના રોજ સાંજે 4:30 કલાકે સમિતિ ખંડમાં યોજાનાર છે. આ બેઠકમાં શહેરના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના અભિપ્રાય અને મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવશે. અત્યારસુધીની ભલામણો મુજબ, વરસાદી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાને સુધારવા માટે કુલ પાંચ કામો રજૂ થયા છે. વોર્ડ નં.11 અને વોર્ડ-4માં વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન નાંખવાના વિવિધ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાનું ખર્ચ મંજૂર થવાનો અંદાજ છે. ખાસ કરીને ગાજરાવાડી વિસ્તારમાં 130 MLD ક્ષમતા ધરાવતા STP અને MPS કામ માટે રૂ.245 કરોડથી વધુ ખર્ચ કરવાની ભલામણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના કામોમાં આજવા અને પ્રતાપપુરા સરોવરની સફાઈ અને ઉંડાણ માટે બાવળ-ઝાડીઓના નિકાલ તથા કોન્ટ્રાક્ટ આધારિત ઓપરેટરો અને મજૂરોની ભરતીનો સમાવેશ થાય છે. આજવા સરોવર ખાતેના પોન્ટૂન વોક-વેના રિપેરીંગ તથા પુન:સ્થાપન માટે પણ રૂ.2.10 કરોડની ખર્ચની ભલામણ છે.
શહેરના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત છાણી જકાતનાકા સુધી ગૌરવપથ બનાવવાના રૂ.21.40 કરોડના ખર્ચવાળા કામમાં રૂ.2.23 કરોડના વધારા સાથે ફેરફાર મંજૂર કરવાનો પ્રયાસ છે. ઉપરાંત પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ માટે વાર્ષિક ખર્ચમાં રૂ.1 કરોડનો વધારો તથા સયાજીબાગ ઝૂ માટે શાકભાજી-ફળફળાદીનો ઇજારો બે મહિના લંબાવવાનો પણ પ્રશ્ન આવનાર છે. અંતે, ટૂરીઝમ વિભાગ હેઠળ માહેશ્વરી મહિલા મંડળને લાલબાગ અતિથિગૃહ પારિવારીક ગણગૌર મહોત્સવ માટે રાહત દરે ફાળવવાની ભલામણ પણ સમિતિ સમક્ષ રજૂ થશે.
