Vadodara

ચોમાસાની શરૂઆત સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: રસ્તા બેસી ગયા,વાહનો ફસાયા

નટુભાઈ સર્કલ પાસે કાર ભૂવામાં ફસાઈ, મોજમહુડા રોડ પર બસનું આગળનું પૈડું ભૂવામાં ખાબક્યું; સ્થાનિકોમાં રોષ, પાલિકા સામે જવાબદારી નિર્ધારિત કરવાની માગ

વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વડોદરા પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીની હકીકત સામે આવી રહી છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સાથે ભૂવા પડવાની સમસ્યા ફરીથી ચરમસીમાએ પહોંચી છે. જેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના નટુભાઈ સર્કલ નજીક આવેલા અરુણદીપ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતાં એક પાર્ક કરેલી કાર તેમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ત્રણ મિત્રો પોતાની કાર પાર્ક કરી નજીક જમવા ગયા હતા. પાછા ફરતાં તેમણે જોયું કે તેમની કાર ભૂવામાં ફસાઈ ગઈ છે. તાત્કાલિક ક્રેન બોલાવીને કારને બહાર કાઢવામાં આવી હતી. ગણીને કારને સામાન્ય નુકસાન થયું છે, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાય છે.
તે જ રીતે, મોજમહુડા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પણ ભૂવો પડ્યો હતો. અહીં એક ખાનગી કંપનીની મોટી બસનું આગળનું પૈડું ભૂવામાં ફસાઈ ગયું હતું. સદનસીબે, બસમાં કોઈ મુસાફર નહોતો અને મોટી જાનહાનિ ટળી હતી. બસ કર્મચારીઓએ તાત્કાલિક મદદ બોલાવીને બસને બહાર કાઢી હતી.

સ્થાનિક રહીશો અને વેપારીઓએ પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે, દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ તેની અસર જમીન પર દેખાતી નથી. રસ્તાઓની ખરાબ ગુણવતા, ગટર લાઈનોની યોગ્ય સફાઈ ન થવી અને વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આવા બનાવો વારંવાર બને છે.

પ્રશાસનના દાવા અને હકીકત વચ્ચે મોટો તફાવત…

દર વર્ષે પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ગટર લાઈનો અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને મરામતના દાવા કરવામાં આવે છે. છતાં, વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તા બેસી જવા, ભૂવા પડવા અને પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. આથી, સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિક કામગીરીમાં ગોઠવણ અને ગુણવત્તાનો અભાવ છે.

શહેરમાં રોષ, તંત્ર પાસે જવાબદારી નિર્ધારિત કરવાની માગ…

શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા આવા બનાવો બાદ રહીશો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર પાસે જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

Most Popular

To Top