Vadodara

ચોમાસાની શરૂઆતે જ માંજલપુરના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડની વિપરીત સ્થિતિ – રહેવાસીઓ ઘરોમાં કેદ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખોદકામને કારણે સમસ્યા વધી, સ્થાનિકોની સતત ફરિયાદો છતાં સમાધાન નહીં

વડોદરા: માંજલપુર ચોમાસુની શરૂઆત સાથે જ માંજલપુરના સૂર્ય દર્શન ટાઉનશીપના મુખ્ય માર્ગ પર કાદવ અને કીચડનો ભારે ત્રાસ વર્તાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત આ સમસ્યા હજુય લોકોને ઘેરી રહી છે. વરસાદના પાણીના ભરાવાને કારણે રહેવાસીઓ ઘરોમાં કેદ થઈ જાય છે, જ્યારે રસ્તા પર કાદવ-કીચડના થર રહેવાસીઓની અવરજવરને અટકાવી દે છે.
લોકોના આરોપ મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખોદકામ અને વ્યવસ્થાની અછતને પરિણામે આ સમસ્યા વધી છે. લોકો ફરિયાદ કરે છે કે પ્રોજેક્ટના અધિકારીઓ તરફથી યોગ્ય જવાબ નથી મળતો અને સ્થાનિક કાઉન્સિલરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે.

લોકોના શબ્દોમાં, “તંત્ર અને નેતાઓ ફક્ત વોટ માટે આવે છે, સમસ્યાનો ઉકેલ ક્યારેય લાવતા નથી.” સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે, તો આગળના દિવસોમાં હાલત વધુ ગંભીર બનવાની શક્યતા છે. લોકોએ સ્થાનિક તંત્ર અને પ્રોજેક્ટ અધિકારીઓ સમક્ષ વારંવાર ફરિયાદો કરી છે, પરંતુ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં હજુય પગલાં લેવાયા નથી. રસ્તા પર કાદવ-કીચડ અને પાણી ભરાવાને કારણે સ્કૂલ વાન, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ અસરગ્રસ્ત થાય છે.

લોકોની ચીમકી “રોડ નહીં તો વોટ નહીં” જેવી વાતો ચાલી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ હજુય લોકોના રાહ જોઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું છે કે સ્થાનિક તંત્ર અને પ્રોજેક્ટ અધિકારીઓ આ સમસ્યાનો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવે છે.

સ્થાનિક રહીશ વ્રજેશ ભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર “અમે ત્રણ વર્ષથી આ જ સમસ્યા સામે લડી રહ્યા છીએ. ચોમાસુ આવે ત્યારે ઘરમાં કેદ થઈ જાય છે. રોડ પર કાદવ કીચડ હોય છે, તો બાળકોને સ્કૂલ મોકલવા પણ મુશ્કેલી પડે છે.

કાદવ કીચડ ના કારણે કોઈ નિર્દોષનો જીવ જશે તેનો જવાબદાર કોણ? …

સ્થાનિક રહીશ કરુણાબેન પટેલના જણાવ્યા અનુસાર કીચડના કારણે વૃદ્ધો અને બાળકો સ્લીપ ખાઈને પડી જાય છે અને તેઓને વાગે પણ છે. થોડા દિવસ અગાઉ જ એક છોકરી સાયકલ ચલાવતા કાદવમાં સ્લીપ થઈ જતા તેને માથા નાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી . અમને અમારા બાળકો બહાર જતા હોય ત્યારે વધુ ચિંતા સતાવે છે કાદવ અને કીચડ કારણે કોઈ અકસ્માત થાય અને અણધાર્યો બનાવ બને તેનો અમને ડર રહે છે જેથી કરીને તાત્કાલિક અસરથી વડોદરા મહાનગરપાલિકા પાકો રોડ બનાવે તેવી અમારી માંગ છે.

Most Popular

To Top