રહીશો તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયા, વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત
મચ્છરો અને બીમારીઓનો ભય, તાત્કાલિક સફાઈની માંગ
વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં આવેલી જય અંબે સોસાયટીમાં ચોમાસાની શરૂઆત સાથે જ કાદવકિચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સોસાયટીના મુખ્ય માર્ગો સહિત અનેક ગલીઓમાં વરસાદી પાણી ભરાતા કાદવ અને ગંદકી ફેલાઈ ગઈ છે. જેના કારણે રહીશો અને એમાં પણ બાળકો અને વૃદ્ધો માટે આવજાવ મુશ્કેલ બની ગઈ છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી તેઓ આ સમસ્યા અંગે પાલિકા અને સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. “દર વખતે માત્ર ફરિયાદ ફોરવર્ડ થઈ છે એમ કહીને તંત્ર દ્વારા વાત ટાળી દેવામાં આવે છે,” એવી ફરિયાદ રહીશોએ કરી છે.

સોસાયટીમાં કાદવ અને ગંદકીના કારણે મચ્છરો અને બીમારીઓનો પણ ભય વધી ગયો છે. રહીશોનું કહેવું છે કે, હજુ તો ચોમાસાની શરૂઆત છે, તો ભારે વરસાદ સમયે સ્થિતિ કેટલી ખરાબ બની શકે તે અંગે ચિંતિત છે. તેઓ તાત્કાલિક સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાની માગ કરી રહ્યા છે.

આ અંગે પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે, રહીશોની ફરિયાદ મળી છે અને ટૂંક સમયમાં જરૂરી પગલાં લેવામાં આવશે. જોકે, રહીશો તંત્રની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.