Vadodara

ચોથી જૂને મતગણતરીનો તખ્તો તૈયાર, 500 કર્મચારીને તાલીમ અપાઈ


શહેરના સયાજીનગર ગૃહ ખાતે તાલીમ સહ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું


વડોદરા સંસદીય મતવિભાગની મત ગણતરી આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ને મંગળવારના રોજ શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે હાથ ધરવામાં આવશે. મત ગણતરીની કામગીરીમાં વિવિધ ૫૦૦ ઉપરાંત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંકે આ કામગીરી માટે અધિકારીઓને વડોદરા લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા તેમજ વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી સંદર્ભે નિમણૂક કરવામાં આવેલ મત ગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર, માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે નિમણૂક પામેલા અધિકારી-કર્મીઓને આજે શહેરના સયાજીનગર ગૃહ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે મત ગણતરી સ્ટાફને કરવાની થતી કામગીરી અને જવાબદારીઓ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મત ગણતરી માટે ૧૧૯ મત ગણતરી સુપરવાઈઝર, ૧૧૯ મદદનીશ સુપરવાઈઝર અને ૧૧૯ માઈક્રો ઓબ્ઝર્વર તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૧૧૬ જેટલા અધિકારી-કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામને આજે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી સહિત મત ગણતરી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Most Popular

To Top