હાલોલ:
ચૈત્રી પૂનમના પાવન અવસર પર પાવાગઢ સ્થિત શક્તિપીઠ ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રાજ્યભરના તેમજ પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.

વિશેષ તિથિ હોવાને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ લાઈનમાં ઉભા રહી શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા. યાત્રિકોએ મહાકાળી મંદિર ખાતે માતાજીના દર્શન કરી સીસ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો.

ચૈત્રી પૂનમ અને નવરાત્રિના સમયમાં પાવાગઢમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ વખતે પણ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. રોપ-વે સેવા વહેલી સવારે શરૂ કરવામાં આવી અને ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો પણ કડક અમલ કરવામાં આવ્યો

મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો. “જય મહાકાળી”ના જયઘોષ સાથે સમગ્ર ડુંગર ગુંજી ઉઠ્યો હતો. પગપાળા યાત્રા કરીને આવેલા ભક્તો માટે આ દિવસ વિશેષ મહત્વનો માનવામાં આવે છે અને તેઓએ માતાજીના દર્શન કરી જીવન ધન્ય બન્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ