Vadodara

ચૈત્રી નવરાત્રી પૂર્વે પાવાગઢમાં તંત્ર સજાગ: સુરક્ષા અને સ્વચ્છતા માટે સંયુક્ત ડ્રાઇવ

તળેટીથી દુધિયા તળાવ સુધી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ
લાખો ભક્તોને સુવિધા મળે તે માટે પોલીસ-ફોરેસ્ટ અને વહીવટી તંત્ર સક્રિય

હાલોલ, તા. 18
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 19 માર્ચથી શરૂ થનારી ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે લાખો ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટતા હોવાથી આ વખતે પણ સુરક્ષા, સ્વચ્છતા અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
તળેટીથી દુધિયા તળાવ સુધીના વિસ્તારમાં દબાણ દૂર કરવા, સફાઈ જાળવવા અને યાત્રાળુઓને સરળ માર્ગ મળે તે માટે પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારની અવરોધક પરિસ્થિતિ ઊભી ન થાય.

એસ.ડી.એમ. દ્વારા છાસીયા તળાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સજાગ રહેવા અને સમયસર પગલાં લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે યાત્રાળુઓ સ્વચ્છતા જાળવે અને નિયમોનું પાલન કરે, જેથી ચૈત્રી નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને યાત્રા સુખદ અને સલામત બને.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top