400 ચો.મી. વેટીવર ઘાસને વરસાદે ધોઈ નાખ્યું, એક વર્ષ સુધી જતનની ઇજારદારની જવાબદારી
બેઠકના એક કલાક પહેલા અધિકારીઓને જાણ કરવા છતાં બેઠકમાં ડેપ્યુટી મ્યુ. કમિશ્નર ગંગા સિંહ ગેરહાજર રહ્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી. જેમાં પાલિકાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે ડેપ્યુટી કમિશનર ગંગા સિંઘ હાજર ન રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. બેઠકના એક કલાક પહેલાં જ તમામ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે યોજાયેલી બેઠકમાં અત્યાર સુધીમાં સ્થાયી સમિતિમાં મંજુર થયેલા વિવિધ વિકાસ કાર્યો હાલ કયા સ્તરે છે, તે અંગે રિવ્યૂ લેવાયો હતો. જે તે વિભાગમાં ઇજારદારો કામ યોગ્ય રીતે કરે છે કે કેમ, તેની પણ વિગતો માગવામાં આવી હતી. ખાસ કરીને શહેરની સફાઈ બાબતે ચેરમેન શીતલ મિસ્ત્રીએ વોર્ડ અધિકારીઓને વ્યક્તિગત દેખરેખ રાખવા સૂચના આપી હતી. શહેરના બ્લેક સ્પોટ અને ઓપન સ્પોટ અંગે પણ ત્વરિત કાર્યવાહી કરવા જણાવાયું હતું. આઇટી વિભાગને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડેટા એકત્ર કરવા અને જરૂરી દંડની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. શહેરના ચાર ઝોનમાં આવેલા નેચરલ વોટર સ્પેસ, કાચા અને પાકા કાંસની કામગીરી અંગે પણ રિવ્યૂ લેવાયો હતો. બેઠકમાં અધિકારીઓએ દાવો કર્યો કે, આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે.
વિશ્વામિત્રી નદીના પટ પર વેટીવર ઘાસ લગાડવાની કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં અધિકારીઓએ જણાવ્યું કે 1.18 લાખ ચોરસ મીટર વિસ્તારમાં વેટીવર ઘાસ લગાડવામાં આવ્યું છે, જેમાંથી 400 ચોરસ મીટર ઘાસ વરસાદમાં ધોવાઈ ગયું છે. આ ઘાસના જતનની એક વર્ષ સુધીની જવાબદારી ઈજારદારની છે, એવું અધિકારીઓએ જણાવ્યું. ડ્રેનેજ વિભાગને વરસાદી ગટરો અંગે માહિતી આપવા જણાવાયું છે. જેમાં કુલ કેટલાં વરસાદી ગટરો શહેરમાં છે, નવી કેટલાં બનાવવાના છે અને હાલ કેટલાં કામ ચાલી રહ્યા છે, તે અંગેના આંકડા માંગવામાં આવ્યા છે. સાથે જ લો લાઇન જગ્યા અંગે પૂછતા અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 175 જેટલા એવા સ્પોટ દૂર કરવામાં આવ્યા છે.
તહેવારોમાં વિસર્જન માટે 7 તળાવ તૈયાર, ખાડાઓ ભરી પેચવર્કના આદેશ
દશામાતા તહેવાર અને ગણેશ વિસર્જનને લઈને પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ તળાવો બનાવવામાં આવ્યા છે. તહેવારો સારી રીતે ઉજવાયા તે માટે દશામાની મૂર્તિ પધરાવવા માટે થઈને દક્ષિણ ઝોનમાં બે, પૂર્વ ઝોનમાં બે અને પશ્ચિમ ઝોનમાં ત્રણ કૃત્રિમ તળાવો બનાવાયા છે. દરેક તળાવની ફરતે ફેન્સિંગ, તરવૈયા, શેડ અને ક્રેન જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ દશામાં અને ગણપતિ વિસર્જનના રૂટ પર ક્યાંય ખાડા ન રહે અને યોગ્ય પેચવર્ક થાય તે માટે પણ અધિકારીઓને તાકીદ કરાઈ છે.
શહેરમાંથી દબાણ દૂર કરવા લારી ગલ્લા માટે 110 પ્લોટ ફાળવાશે
શહેરમાં લારી ગલ્લાના દબાણો દૂર કરવા માટે શહેરના તમામ વોર્ડમાં 110 થી વધુ પ્લોટ ફાળવવાનું આયોજન કરાયું છે. આ પ્લોટમાં વિવિધ લારી ગલ્લા ધારકોને નિયમો મુજબ પ્લોટમાં સ્થાન અપાશે. હાલ શહેરભરમાં આ માટે એક સર્વેની પણ કામગીરી હાલ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પ્લોટ ફાળવ્યા બાદ ફેન્સિંગ પણ કરશે. આગામી સમયમાં શહેરના તમામ મુખ્ય એન્ટ્રી રોડ પર લારી ગલ્લાના ખડકલા ન થાય તે દિશામાં આયોજન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. વધુમાં શહેરની કુલ વસ્તીમાં માત્ર 2.5 ટકા જ લારી ગલ્લા જોવા મળે તેવું આયોજન કરાઈ રહ્યું છે.