Vadodara

ચેક પોસ્ટ પર નાકાબંધી જોઈ બુટલેગરે કાર ભગાવી, પોલીસે ₹4.87 લાખના દારૂના જથ્થા સાથે એકને દબોચ્યો

MP થી વડોદરા આવતો 1794 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બ્રેઝા ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ વરણામા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વરણામા પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી છોટાઉદેપુર થઈને એક સફેદ કલરની બ્રેઝા ગાડી (નંબર MH-02-EU-4310) વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે કેલનપુર ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.
બાતમી મુજબની ગાડી કિશનનગર પાસે આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. જોકે, ગાડીના ચાલકે પોલીસને જોઈને ધરપકડના ડરથી ગાડી રોંગ સાઈડમાં ભગાવી હતી. પૂરઝડપે જતી આ કાર રસ્તાની બાજુમાં આવેલ એક ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે ગાડીને નુકસાન થયું હતું અને તે ત્યાં જ ઉભી રહી ગઈ હતી.
પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1794 નંગ ક્વોટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 4,87,968 થાય છે. આ ઉપરાંત પોલીસે રૂ. 5,00,000ની કિંમતની બ્રેઝા ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 9,92,968નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે વિનોદ ભોદરભાઈ રાઠવા (રહે. ટીંમલા, છોટાઉદેપુર) નામના આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર અલીરાજપુર (MP) ના આરિફ નામના શખ્સને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જે.વાઘેલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top