Vadodara

ચૂંટણી પહેલા જ ‘ટિકિટ’નો નશો? વોર્ડ-16માં નેતાઓના ઝભ્ભા પકડીને ચાલતા કાર્યકર્તાઓ પોતાને કાઉન્સિલર સમજી બેઠા?​

શહેર પ્રમુખ મૌન કે અજાણ? વોર્ડ સંગઠનની હલકી રાજનીતિ સામે ચૂંટાયેલા પ્રતિનિધિએ બાંયો ચઢાવી

વડોદરા સંસ્કારી નગરી વડોદરાના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે. શહેરના વોર્ડ નંબર 16માં ભાજપ સંગઠન દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સ્થાનિક મહિલા નગરસેવિકા સ્નેહલબેન પટેલને આમંત્રણ ન આપી તેમની ધરાર અવગણના કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાએ ભાજપના શિસ્ત અને ‘સાથ અને સહકાર’ના દાવાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ 16માં ભાજપ સંગઠન દ્વારા ‘SIR’ની કામગીરી અને શક્તિકેન્દ્ર તેમજ બુથ કક્ષાએ મતદારોના નો-મેપિંગ ફોર્મ જમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી ખાસ હાજર રહ્યા હતા. આટલા મોટા આયોજનમાં વોર્ડના જ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્નેહલબેન પટેલની બાદબાકી કરવામાં આવી હતી. વોર્ડના હોદ્દેદારો જાણે પોતે જ ‘સુપર કાઉન્સિલર’ બની ગયા હોય તેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાંસિયામાં ધકેલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નગરસેવિકા સ્નેહલબેન પટેલે આ મામલે મૌન તોડતા સોશિયલ મીડિયા પર જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વોર્ડ મહામંત્રી પરેશ પટેલની પોસ્ટ પર કમેન્ટ કરીને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, શહેરના મહામંત્રી આવતા હોય તો તેમને કેમ જાણ કરવામાં આવી નથી? આ વિવાદ બાદ પક્ષમાં જૂથબંધીનો મામલો વધુ વણસ્યો છે. કાર્યકર્તાઓ ચૂંટણી પહેલા જ પક્ષના મોટા નેતાઓના ‘ઝભ્ભા પકડીને’ પોતાની ટિકિટ ફાઇનલ માની બેઠા છે અને ચાલુ ટર્મના નગરસેવકોની અવગણના કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સ્નેહલબેન પટેલની આક્રમક ટીપ્પણી…
​”હું પણ ભાજપમાંથી જ ચૂંટાઈને આવી છું, કદાચ તમે ભૂલી જતા હશો…”
​વોર્ડ-16ના મહિલા નગરસેવિકા સ્નેહલબેન પટેલે સોશિયલ મીડિયા પર વોર્ડ મહામંત્રી પરેશ પટેલને આડેહાથ લેતા લખ્યું હતું કે, “પરેશભાઈ, આપ પણ વોર્ડ 16ના મહામંત્રી છો અને શહેરના મહામંત્રી જસવંતસિંહ બાપુ આવે આવા કેટલાય મેસેજ મને મળતા નથી. આજે મારે જાહેરમાં લખવું પડે છે કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવી છું. આ તો વોર્ડ 16માં વર્ષોથી કોંગ્રેસના કોર્પોરેટર હતા એટલે કદાચ તમે ભૂલી જતા હશો પણ હું બીજેપીમાંથી ચૂંટાઈને આવેલી છું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પૂછવા છતાં તેમને કોઈ ફોન કે મેસેજ કરવામાં આવ્યો નહોતો.

Most Popular

To Top