Vadodara

ચૂંટણી પંચની ચેતવણી: ફોર્મ ભરતા પહેલા આ નિયમો વાંચી લેજો, નહીંતર લડ્યા વગર જ હારી જશો જંગ!

સ્ક્રુટિનીમાં હવે નહીં ચાલે કોઈની ભલામણ; પારદર્શિતાના નવા માપદંડો સાથે રાજ્ય ચૂંટણી આયોગ સજ્જ

વડોદરા: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે ઉમેદવારો માટે અત્યંત કડક અને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વખતે ચૂંટણી પંચ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહ્યું છે, જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને પ્રચાર સુધીના તમામ તબક્કે નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય બન્યું છે. જો કોઈ ઉમેદવાર અજાણતા પણ ભૂલ કરશે અથવા જાણીજોઈને માહિતી છુપાવશે, તો તેની ઉમેદવારી ચકાસણી દરમિયાન જ ગેરલાયક ઠેરવી દેવામાં આવશે.
ચૂંટણી પંચની નવી એડવાઈઝરી મુજબ, ઉમેદવારે પોતાના સોગંદનામામાં મિલકત, શૈક્ષણિક લાયકાત અને સૌથી મહત્વનું એટલે કે ગુનાહિત ઇતિહાસની વિગતોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે. જો કોઈ ઉમેદવાર સામે ફોજદારી ગુનો દાખલ થયેલો હોય અથવા કોર્ટમાં કેસ પડતર હોય, તો તેની વિગતો જાહેર કરવી પડશે. અગાઉના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ઉમેદવારો નાની વિગતો છુપાવતા હોય છે, પરંતુ હવે પંચ પાસે ઓનલાઇન ડેટાબેઝ હોવાથી આવી વિગતો છુપાવવી અશક્ય બનશે અને પકડાયાના કિસ્સામાં ઉમેદવારી રદ થવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના વિશેષ કાયદા મુજબ બેથી વધુ સંતાનો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકતા નથી. આ વખતે પંચે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોના રેકોર્ડ સાથે ક્રોસ-વેરિફિકેશન કરવાની પણ તૈયારી રાખી છે. આ ઉપરાંત, ઉમેદવારના ઘરે શૌચાલય હોવું અને તે કાર્યરત હોવાનું પ્રમાણપત્ર પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. વડોદરા અને અન્ય મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ડમી ઉમેદવારો ઊભા રાખવાના વલણ પર રોક લગાવવા માટે ઓળખના પુરાવાઓની પણ કડક ચકાસણી કરવામાં આવશે.
નવી એડવાઈઝરીમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પણ કડક સૂચનાઓ છે. ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવતી પેઈડ પોસ્ટનો ખર્ચ ઉમેદવારના સત્તાવાર ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ કે ભ્રામક માહિતી ફેલાવશે, તો આચારસંહિતા ભંગ હેઠળ તેની સામે ત્વરિત પગલાં લેવામાં આવશે. ચૂંટણી પંચે વડોદરા સહિતના જિલ્લા કલેક્ટરો અને રિઝલ્ટ ઓફિસરોને આ મામલે વિશેષ ટ્રેનિંગ આપીને સજ્જ કર્યા છે.
:- ઉમેદવારો માટે ‘ડેન્જર ઝોન’: આ ભૂલો ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે!

​ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા ઉમેદવારોએ આ બાબતો ખાસ નોંધી લેવી જોઈએ. સોગંદનામાની એક પણ કોલમ ખાલી રાખવી, શૈક્ષણિક લાયકાતના ખોટા પુરાવા રજૂ કરવા, મિલકતની વિગતોમાં વિસંગતતા અથવા સરકારી લેણાં (જેમ કે મિલકત વેરો કે વીજ બિલ) બાકી હોવા જેવી બાબતો તમારી ઉમેદવારી માટે જોખમી સાબિત થઈ શકે છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે અધૂરી વિગતોવાળા ફોર્મને સુધારવાની તક આપવાને બદલે સીધા જ રદ કરવામાં આવશે. તેથી, ઉમેદવારી પત્ર ભરતી વખતે કોઈ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે, નહીંતર પ્રચાર શરૂ થાય તે પહેલા જ તમે રેસમાંથી બહાર થઈ શકો છો.

Most Popular

To Top