- વડોદરાની યાદીમાં ચાર – પાંચ સભ્યોના નામ બહાર આવી શકે છે
- ગણતરી બાદ તમામ સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની તૈયારીઓ
લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ભાજપા દ્વારા અંડર કવર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી દરમિયાન ભાજપાને નુકસાન થાય તેવું કામ કરનાર કાર્યકરોને શોધવામાં આવી રહ્યા છે અને તેઓ સામે શિસ્ત ભંગના પગલાં ભરવાનો તખ્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાંથી પણ ચાર – પાંચ નામો બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતને ભાજપાનો અને ખાસ કરીને નરેન્દ્ર મોદીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું કારણ કે ભાજપાની લડાઈ કોંગ્રેસ સામે નહિ પરંતુ ભાજપાની લડાઈ ભાજપાના જ અંદરના કાર્યકરો સાથે હતી. આંતરિક જૂથબંધી, પક્ષથી નારાજગી, કોંગ્રેસના આગેવાનોના પ્રવેશ બાદ તેઓને ટિકિટોની ફાળવણી જેવા અનેક મુદ્દાઓને લઈને ખુદ ભાજપાના જ કાર્યકરો નારાજ હતા. અને ચૂંટણીમાં આ પૈકી કેટલાક નિષ્ક્રિય થઇ ગયા તો કેટલાકે પક્ષ વિરોધી કામ કર્યું. વડોદરામાં પણ ચૂંટણી પહેલા ઉમેદવારના નામની જાહેરાત બાદ ભારે હોબાળો થયો, ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને ત્યારબાદ ઉમેદવારને બદલવામાં આવ્યા. જો કે નવા ઉમેદવારથી પણ કેટલાક લોકો ખુશ ન હતા. અને તેના કારણે તેઓએ ચૂંટણી પ્રચાર માટેનું જોમ ઘટાડી દીધુ હતું. મતદાન પહેલા પ્રદેશ કક્ષાએથી આવેલા એક અગ્રીમ હરોળના આગેવાને શહેરના અગ્રીમ હરોળના આગેવાનોને ટકોર પણ કરી હતી. કે તેઓ પોતાના વિસ્તારમાં જોઈએ તેવી સભાઓ કરી રહ્યા નથી. ત્યારે હવે મતદાનની પ્રક્રિયા જયારે પૂર્ણ થઇ છે ત્યારે ભાજપે ખાસ અભિયાન શરુ કર્યું છે અને આવા સભ્યો, કાર્યકરોને શોધવાની કવાયત હાથ ધરી છે. વડોદરામાં પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તે મોવડી મંડળ સુધી મોકલવામાં આવશે. ત્યારે માટે ગણતરી બાદ વડોદરામાં પણ નવાજુની થાય તો નવાઈ નહિ.