
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરાના રાજકીય આકાશમાં અત્યારે ચૂંટણીના વાદળો ઘેરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ફોર્મ વિતરણના માત્ર 48 કલાકમાં જ જે પ્રકારે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે આ વખતે એક-એક બેઠક માટે ખરાખરીનો જંગ ખેલાશે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રથમ બે દિવસમાં જ કુલ 2259 ઉમેદવારી પત્રોનું વિતરણ થઈ ચૂક્યું છે.
- મહાનગરપાલિકા (વોર્ડ)માં 6 એપ્રિલ ના રોજ 351 જ્યારે 7 એપ્રિલના રોજ 244 મળી કુલ 595 ફોર્મ નું વિતરણ થયું હતું.
- નગરપાલિકામાં 6 એપ્રિલના રોજ 565 જ્યારે 7 એપ્રિલના રોજ 457 મળી કુલ 1022 ફોર્મનું વિતરણ થયું હતું.
- જિલ્લા પંચાયતમાં 6 એપ્રિલના રોજ 59 જ્યારે 7 એપ્રિલના રોજ 83 મળી કુલ 142 તાલુકા પંચાયત ફોર્મનું વિતરણ થયું હતું.
- તાલુકા પંચાયતમાં 6 એપ્રિલના રોજ 278 જ્યારે 7 એપ્રિલના રોજ 222 મળી કુલ 500 ફોર્મનું વિતરણ થયું હતું.
- આમ 6 એપ્રિલ ના રોજ કુલ ટોટલ 1253 અને 7 એપ્રિલના રોજ 1006 મળી કુલ ટોટલ 2259 ફોર્મ નું વિતરણ થયું હતું.
અર્ધ-શહેરી વિસ્તારોમાં ચૂંટણીનો ઉત્સાહ બેવડો જોવા મળી રહ્યો છે. ડભોઈ, સાવલી, પાદરા અને વાઘોડિયા જેવી નગરપાલિકાઓમાં ટિકિટ વાંચ્છુઓની લાંબી કતારો જોવા મળી હતી. બે દિવસમાં અહીં કુલ 1022 ફોર્મ ઉપડ્યા છે. ખાસ કરીને પાદરામાં પ્રથમ દિવસે 115 ફોર્મનો આંકડો વહીવટી તંત્ર માટે પણ આશ્ચર્યજનક રહ્યો હતો.
ચૂંટણી અધિકારીઓએ પત્રકની ઉપર જ સ્પષ્ટ સૂચના આપી છે કે, નોંધ :- ફોર્મની સંખ્યા રોજે રોજની જ નાખવી. આ સૂચના પાછળનો હેતુ પારદર્શિતા જાળવવાનો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવાનો છે. 11 એપ્રિલ 2026 સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે, ત્યારબાદ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજકીય નિષ્ણાતોના મતે, આટલી મોટી સંખ્યામાં ફોર્મનું વિતરણ એ સૂચવે છે કે મુખ્ય પક્ષો ઉપરાંત અપક્ષ અને બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવશે, ત્યારે વડોદરાનું રાજકારણ વધુ ગરમાશે તે નક્કી છે.