વડોદરા લાવ્યા બાદ પૂછપરછમાં ખુલાસો થશે, પ્રાથમિક તબક્કે આધ્યાત્મિક માર્ગે જવા પગલું લીધું હોવાનું જાણવા મળ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા.11
શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના વતની હેડકોન્સ્ટેબલ સોમવારે પોતાની ફરજ પતાવી ઘરે ગયા બાદ મોડી રાત્રે મોડીરાત્રે બે પાનાની ચિઠ્ઠી વોટ્સએપ પર મોકલી ક્યાંક ગુમ થઇ જતાં સમગ્ર મામલે પાણીગેટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુમ થયેલા હેડ કોન્સ્ટેબલ હરિદ્વાર થી મળી આવ્યા છે.
શહેરના પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા અને મુળ બનાસકાંઠાના વતની અલ્પેશભાઇ ખોડાજી આશરે પાંચ વર્ષથી વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. અલ્પેશભાઇ પોતાના પરિવાર સાથે પોલીસ લાઇનમાં રહેતા હતા. જોકે થોડા સમય પહેલાજ તેમના પત્ની પોતાના ઘરે ગયા હોવાથી, તેઓ એકલા રહેતા હતા.સોમવારે અલ્પેશભાઇ પોતાની ફરજ પતાવી રાત્રી આશરે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવ્યાં હતા. જોકે ઘરે આવ્યાં બાદ તેમણે મોડી રાત્રે પોતાના એક મિત્ર પ્રવિણભાઇને વોટ્સએપ પર બે પાનાની અંતિમ ચિઠ્ઠી મોકલી હતી. રાતના આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ અંગે પ્રવિણભાઇ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ રાજપુતને આ અંગેની જાણ કરી હતી. પોતાના ભાઇની અંતિમ ચિઠ્ઠી અંગેની વાત જાણી રાજેશભાઇએ તાત્કાલીક આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસની ટીમે ગુમ હેડ કોન્સ્ટેબલ ની તપાસ કરી હતી જેમાં તેઓ ઓટો રીક્ષામાં બેસી બાપોદ હાઇવે તરફ ઉતરતા જણાયા હતા તેઓ બુધવારે સાંજે હરિદ્વાર ખાતેથી મળી આવ્યા છે , ત્યારે તેઓને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેઓના આવ્યા બાદ પૂછપરછમાં જ સમગ્ર મામલે પડદો ઉચકાશે. હાલમાં જાણવા મળ્યાં મુજબ આધ્યાત્મિક માર્ગે જવા માટે આ પગલું ભર્યું હોવાની વિગત સામે આવી છે.