*કપડવંજના વાત્રકકાંઠા વિસ્તારમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ હોળી પર ચોમાસાની આગાહી થાય છે*
*હોળીના દિવસે ગ્રામજનોની હાજરીમાં માટીના ચાર લાડુ અનુક્રમે અષાઢ,શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર લાડુને કુંકુ તિલક કરીને ખાડામાં મુકી દેવામાં આવે છે*
*ચાલુ સાલે આ પરંપરા મુજબ એક માસ વરસાદનું પ્રમાણ સપ્રમાણ રહેશે જ્યારે શ્રાવણ તથા ભાદરવામાં વધારે વરસાદ રહેશે*

કપડવંજ પંથકમાં હોળી-ધુળેટી પર્વ ધામધૂમથી ઉજવાય છે. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજ પણ ગાય-ભેંસના છાણમાંથી બનાવવામાં આવતા હોડઈયાના હારથી હોળી પ્રગટાવવામાં આવે છે.

પંથકના અગ્રણી અને અપ્રુજીના ભારતસિંહ સોલંકીના જણાવ્યાનુસાર આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના પર્વ ઉપર આગામી ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે. વધુમાં આ અંગે કાળુસિંહ સોલંકી તથા રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે જ્યાં હોળી પ્રગટાવવાની હોય એ જગ્યા ઉપર અંદાજે બે-ત્રણ ફૂટનો ખાડો ખોદીને ગ્રામજનોની હાજરીમાં માટીના ચાર લાડુ અનુક્રમે અષાઢ,શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર લાડુને કુંકુ તિલક કરીને ખાડામાં મુકી દેવામાં આવે છે.ત્યારબાદ આ જ જગ્યા ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે,બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ ખાડો ખોદીને માટીના લાડુ બહાર કાઢવામાં આવે છે.આ લાડુમાં જેટલો ભેજ હોય એ ઉપરથી એ માસમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે એ વિશે આગાહી કરવામાં આવે છે.ચાલુ સાલે આ પરંપરા મુજબ એક માસ વરસાદનું પ્રમાણ સપ્રમાણ રહેશે.જયારે શ્રાવણ તથા ભાદરવા માસમાં વધારે વરસાદ રહેશે એવું આ પરંપરા ઉપરથી આગાહી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ આ ગ્રામજનો સાચવી રહ્યા છે.
