ગત શુક્રવારથી રવિવાર સુધી ગરમીનું પ્રમાણ 40ડિગ્રી થી નીચે જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 14
છેલ્લા ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને રાહતનો અનુભવ થયો હતો પરંતુ સોમવારથી ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ગરમીના પ્રમાણમાં 1.7ડિગ્રી નો વધારો થતાં મહત્તમ તાપમાન 40.8ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ફરી એકવાર વીજ માંગ વધી છે.
ગત શુક્રવાર થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થવાના કારણે પવનની દિશામાં બદલાવ આવતા અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું જેના કારણે માનવીઓને મુંગા પશુ પક્ષીઓ ને આકરી ગરમીથી થોડી રાહત મળી હતી પરંતુ ફરી એકવાર સોમવારે વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો જેમાં મહત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સે.નો વધારો થતાં જ મહત્તમ તાપમાન 40ડિગ્રી ને વટાવી ગયું છે અને આગામી દિવસોમાં ગરમીનો ફરી એકવાર પ્રકોપ જોવા મળી શકે છે.સમગ્ર દેશમાં લોકો ગરમીથી ત્રસ્ત છે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો હતો ત્યારે ગત શુક્રવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેના કારણે એક વખતે 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયેલો તાપમાનનો પારો ગગડીને 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયો હતો જેના પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થતાં પવનની દિશા બદલાઈ હતી પરંતુ ત્યારબાદ ફરી એકવાર સૂર્ય પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ ઓકતી ગરમી પડવાની શરુ થઇ ગઈ છે.હવામાન વિભાગ દ્વારા આગામી મે મહિના સુધી ફરી એકવાર વાતાવરણમાં ફેરફારો જોવા મળી શકે છે એક તરફ આગામી 15 એપ્રિલ સુધી દેશના ઉત્તરાખંડ, ઉતરપ્રદેશ, દિલ્હી એનસીઆર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં આંધી, વાવાઝોડા ની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ઉતરી ભાગોમાં ગરમીથી લોકોને રાહત થશે ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે આમ દેશના અલગ અલગ ભાગોમાં હાલ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.8ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 12%રહેવા પામ્યું હતું જેના કારણે ફરી એકવાર વીજમાગ માં વધારો થયો છે.
