સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલ કરનાર ચારૂસેટની 9 કોલેજોના 10000 વિદ્યાર્થીઓ ટેબલેટ પર પરીક્ષા આપે છે. 625 વૃક્ષોને બચાવી પર્યાવરણનું જતન કરવામાં આવે છે. દર વર્ષે 50 લાખ પેપરના પ્રિન્ટીંગ તેમજ તેનું વિતરણ-જાળવણીનો ખર્ચ બચે છે અને 900થી વધુ માનવકલાકની બચત થાય છે.
ચાંગા: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 30 નવેમ્બેર શનિવારે ચાંગાસ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) માં નવનિર્મિત મલ્ટી યુટીલીટી બિલ્ડીંગ અને ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ચારૂસેટ કેમ્પસના 25 વર્ષ નિમિત્તે રજત જયંતી ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલ કરનાર ચારુસેટને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ ચારુસેટના પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. વૃક્ષો બચાવી પર્યાવરણની જાળવણી કરવાના અભિગમની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન સેન્ટરમાં પેપરલેસ ડિવાઇસ ટેબ્લેટ પર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું ચારુસેટ યુનીવર્સીટી સાકાર કરી રહી છે તે આવકારદાયક પગલાને બિરદાવ્યું હતું.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, યુનીવર્સીટીના સત્તાવાળાઓ સાથે ઇન્ટરેકટ કર્યું હતું અને પરીક્ષા પ્રક્રિયામાં ટેકનોલોજીના સ્વીકાર્યની માહિતી પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રી યુનિવર્સિટીનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળી પ્રભાવિત થયા હતા. ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની આ નવતર પહેલ વધુ સાતત્યપૂર્ણ અને કાર્યક્ષમ એજ્યુકેશનલ ફ્રેમવર્કને પ્રમોટ કરવાના સરકારના વિઝન સાથે સુસંગત થાય છે.
પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે કેળવણી મંડળ-ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ,સોજીત્રાના ધારાસભ્ય અને કેળવણી મંડળના સહમંત્રી શ્રી વિપુલભાઈ પટેલ, કેળવણી મંડળ-ચારૂસેટના પદાધિકારીઓ, પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડૉ.અતુલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સુરેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રીનું બુકેથી સ્વાગત કર્યું હતું. કેમ્પસ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં બંને બાજુ ઊભા રહી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટની 9 કોલેજોના 10000 થી વધારે વિદ્યાર્થીઓ પેપરના બદલે પેપરલેસ ડિવાઇસ ટેબલેટ પર પરીક્ષા આપી રહ્યા છે. જેનાથી દર વર્ષે 50 લાખ પેપર પ્રિન્ટીંગ તેમજ તેનું વિતરણ-જાળવણીનો ખર્ચ અને 900 થી વધુ માનવકલાકની બચત થાય છે. આ ઉપરાંત 625 વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓટો ક્વેશ્ચન પેપર જનરેશનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી પેપર લીક થવાની કોઈ સંભાવના રહેતી નથી.
અત્યારે 1250 ટેબલેટ પર પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ચારુસેટ પોતે જ સિસ્ટમમાં પ્રશ્નપત્રો, ઓથરિંગ, આન્સર શીટ ઇવેલ્યુએશન વગેરે સેટ અપ કરે છે. મલ્ટી મીડિયા ઓડિયો વિડીયો મૂકી પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નપત્રો એન્ક્રીપ્ટેડ મોડમાં ક્લાઉડમાં સેવ રહે છે અને પાસવર્ડથી સ્કેન થાય છે. આથી પેપર લીક થવાની શક્યતા રહેતી નથી. વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે છે અને તે તરત સેવ થઈ જાય છે. ટેબલેટમાં જ અધ્યાપકો પેપર ચેક કરી માર્કસ આપે છે. ટોટલ માર્ક, કેરી ફોરવર્ડિંગ ઓફ માર્ક, સેક્શનવાઇઝ માર્ક, કોર્સ આઉટકમ વાઇઝ માર્કનો રિપોર્ટ આ તમામ સિસ્ટમ જનરેટ કરી આપે છે.
ચારૂસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને ડીન એકેડેમિક્સ અને કંટ્રોલર ઓફ એક્ઝામીનેશન ડૉ. અતુલ પટેલ જણાવે છે કે ચારુસેટ યુનિવર્સીટી ગુજરાતમાં સૌ પ્રથમ છે જેણે ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન શરૂ કરી છે. પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબલેટમાં અપલોડ થાય છે. પરીક્ષામાં આઈરિસ સ્કેનથી ઓથેન્ટીફિકેશન થાય છે. ટેબલેટ ડિવાઇસ બેટરી બેક અપ 16 કલાક છે ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇ ફાઈ કનેકશનથી ચાલે છે. આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે. અમે આ પરીક્ષા થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું સાકાર કરી રહ્યા છીએ. આ એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી સિસ્ટમથી સમયની સાથે સાથે પેપરનો બચાવ અને પર્યાવરણનું જતન વધારે થાય છે. ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે જેના થકી પર્યાવરણના જતનની સાથે સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે.
આ પરીક્ષાની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કશું સાથે લાવવાની જરૂર નથી, પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લૉગ ઇન કરી ઇવેલ્યુએશન કરી ચેક કરી શકે છે અને રીમાર્ક-સર્કલ-ટીક કરી શકે છે જેના કારણે સરળતા રહે છે. ચારૂસેટમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આ જ ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. ટેબલેટ પર સ્ટાઇલક પેનથી લખવામાં આવે છે. પેપરલેસને લગતા તમામ ઓપરેશન્સ જેમ કે સોફ્ટવેરમાં એક્ઝામ શિડ્યુઅલ કરવી, વિદ્યાર્થીઓ માટે ડિવાઇસ તૈયાર કરવા, શિક્ષકોને આન્સર સ્ક્રીપ્ટ તપાસવા આપવી વગેરે ધ્યાનમાં રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંકન પણ કલાઉડ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન થાય છે. જેથી યુનિવર્સિટી દ્વારા પરિણામો ઝડપથી આપવામાં આવે છે. આથી યુનિવર્સિટી પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા વધુ સુદ્રઢ થઈ છે, એટલું જ નહીં, પરીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનું પણ તજજ્ઞો દ્વારા નિયમિત વિશ્લેષણ કરવામાં આવે છે જેથી શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર વધારો કરી શકાય છે.
ચારૂસેટના પરીક્ષા સુધારણા એકમ દ્વારા પરીક્ષાલક્ષી પદ્ધતિમાં નવતર પ્રયોગો સમયાનુસાર હાથ ધરવામાં આવે છે જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામો સમયસર પ્રાપ્ત થાય છે. ટ્રાન્સ્ક્રીપ્ટ તથા પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્રો પણ વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામની સાથે જ આપવામાં આવે છે.