Charotar

ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..


બ્લોકચેઇન શિક્ષણ, સંશોધન અને નવીનતામાં મહત્વપૂર્ણ યોગદાન માટે એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર ચારુસેટ યુનીવર્સીટી


 
ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) એ ગુજરાત રાજ્ય માટે 2024નો ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ એવોર્ડ ચારુસેટને બ્લોકચેઇન શિક્ષણ, સંશોધન અને નવીનતામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રદાન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બિરદાવવામાં આવી હતી, જેમાં આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર યુનીવર્સીટી તરીકે ચારુસેટનું નામ મોખરે હતું.  
આ એવોર્ડ  23 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીમાં  AICTE ઓડિટોરિયમમાં આયોજિત ભારત બ્લોકચેઇન યાત્રાના ગ્રાન્ડ ફિનાલેમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ના ચેરમેન પ્રોફેસર ટી.જી. સિતારામના હસ્તે ચારુસેટ યુનિવર્સિટીને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ તરફથી CSPIT ના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અક્ષિતા કદમ એવોર્ડ સ્વીકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ચારુસેટ યુનિવર્સિટીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ ચારુસેટના આઈટી એડવાઈઝર શ્રી અશોકભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ, ડૉ. વિજય ચૌધરી (ડીન, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ), ડૉ. તૃષિત ઉપાધ્યાય (પ્રિન્સિપાલ, CSPIT) અને ડૉ. અમિત ઠક્કર (વડા, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ) ના સતત સમર્થન અને માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થયો હતો.
આ એવોર્ડ બ્લોકચેઇન ક્ષેત્રમાં ચારુસેટની અભૂતપૂર્વ પ્રગતિને માન્યતા આપે છે અને તેના ભવિષ્યના ટેકનોલોજી વિકાસ માટેના યોગદાનને પ્રતિબિંબિત કરે છે. આ એવોર્ડ ચારુસેટના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ગૌરવની ક્ષણ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચારુસેટ યુનિવર્સિટીના  પ્રગતિશીલ યોગદાનને ઉજાગર કરે છે. ભારત બ્લોકચેઇન યાત્રાનું આયોજન ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ (IDS) અને AICTE દ્વારા સંયુકતપણે કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top