*વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાનાં ચાણોદ ખાતે પૂર વ્યવસ્થાપન મોકડ્રીલ યોજાઈ*
વડોદરા: ડભોઇ તાલુકાના ચાંણોદ ગામ ખાતે સંભવિત પૂરની પરિસ્થિતિઓને પહોંચી વળવા અને જાનહાનિ તથા સંપત્તિના નુકસાનને ઘટાડવાના ઉદ્દેશ્યથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પ્રતિભાવ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. આ કવાયતમાં બચાવ કામગીરી, ઇમરજન્સી મેડિકલ સહાય પૂરી પાડવી, અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતના દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

NDRFની ટીમોએ તેમની વિશેષજ્ઞતા અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને બચાવ કામગીરીનું નિદર્શન કર્યું હતું, જ્યારે પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને રાહત પ્રયાસોને સુવિધા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોગ્ય વિભાગની ટીમો તબીબી સહાય પૂરી પાડવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ હતી. સ્થાનિક તરવૈયાઓએ તેમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને બચાવ કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આ મોકડ્રીલમાં તાલુકા વહીવટી તંત્ર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ સહિત વિવિધ એજન્સીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચેનું સંકલન થકી યોજવામાં આવ્યું હતું.
