આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકમાં 22 વર્ષ પહેલાં કૌભાંડ આચરી વિદેશ ફરાર થયેલો શખ્સ પકડાયો
આણંદ શહેર પોલીસ મથકે વર્ષ 2002માં ગુનો નોંધાયો હતો, તેના બે વર્ષ પહેલા અમેરિકા ભાગી ગયો હતો
(પ્રતિનિધિ) આણંદ તા.30
આણંદ શહેરની પ્રતિષ્ઠિત ચરોતર નાગરિક સહકારી બેંકમાં 25 વર્ષ પહેલા બોગસ દસ્તાવેજો આધારે કરોડોની લોન આપવામાં આવી હતી. આ કૌભાંડ બહાર આવતા જે તે સમયે ભારે ચકચાર મચી ગઈ હતી. એક સમયે આણંદના વિશ્વકક્ષાએ નામના આપનાર આ સહકારી બેંક ફડચામાં લઇ જવી પડી હતી. જેના કારણે અનેક ખાતેદારના કરોડો રૂપિયા ફસાયાં હતાં. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે વર્ષ 2002માં જે તે સમયેના ડિરેક્ટર સહિતના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. પરંતુ તેમાંથી વિરેન્દ્ર મણી પટેલ વિદેશ ફરાર થઇ ગયો હતો. જેને સીબીઆઈએ એરોપોર્ટ પરથી પકડી પાડ્યો હતો.
આણંદ શહેરની ચરોતર નાગરિક સહકારી બેંકમાં અઢી દાયકા પહેલા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ બેંક વર્ષ 1997માં રૂ.500 કરોડ ઉપરાંતની ડિપોઝીટ હતી. તેની 12 જેટલી શાખામાં બે લાખથી વધુ ખાતેદારો હતાં. આણંદવાસીઓને બેંકમાં પર એટલો ભરોસો હતો કે, તેમની જીવન મુડી તેઓએ બેંકમાં ફિક્સ ડિપોઝીટ રૂપે મુકી હતી. આ ઉપરાંત કેટલીક નાની બેંકોએ પોતાના ખાતેદારોના કરોડો રૂપિયા ચરોતર નાગરિક બેંકમાં મુક્યાં હતાં. પરંતુ 1997ના જે તે સમયના સંચાલકોએ બોગસ દસ્તાવાજો આધારે તેમના 735 જેટલા મળતીયાઓને રૂ.316 કરોડ જેવી માતબર રકમ ધિરાણ કરી દીધી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ધિરાણના પગલે બેંક પાસે રૂ.220 કરોડની ડિપોઝીટ બચી હતી. બીજી તરફ બેંકમાંથી બોગસ લોન લેનારા શખ્સોએ નિયમિત હપ્તા ન ભરતાં આર્થીક સ્થિતિ કથળવા લાગી હતી. આ સમગ્ર મામલાનો ભાંડો ફુટતાં ભારે હબાળો થયો હતો. જે તે સમયે લોકોએ પોતાની ડિપોઝીટ પરત લેવા માટે બેંકમાં ધસારો કર્યો હતો. ખાતેદારોની લાઇનો લાગી હતી. આખરે ખાતેદારોને આપવા નાણા ન રહેતા બેંકને ફડચામાં લઇ જવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ભારે ઉહાપોહ થયો હતો અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આખરે આ અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સામે ગુનો નોંધવા હુકમ થતાં 5મી જાન્યારી, 2002ના રોજ આણંદ શહેર પોલીસે ચરોતર નાગરિક બેંકના 16 સંચાલકો સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો. સમયાંતરે 15 જેટલા સંચાલકોની ધરપકડો થઇ અને હાઈકોર્ટ સુધી કેસ ચાલ્યા. જે પૈકી 10 ડિરેક્ટરના અત્યાર સુધી અવસાન થયા હતા. જ્યારે 4 ડિરેક્ટરની કોઈ જવાબદારી નહી બનતી હોય તેમને કોર્ટ કોસીંગ કરી દીધા છે. જ્યારે હજુ એક ડિરેક્ટર જામીન પર છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ પહેલા જ 16મા સંચાલક વિરેન્દ્ર મણી પટેલ અમેરિકા ભાગી ગયાં હતાં. જેઓ હાલ અમદાવાદ એરપોર્ટ પર આવતા જ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ચરોતર બેંકના બોગસ લેટર ઓફ ક્રેડિટથી વડોદરામાં લોન માંગી હતી
ચરોતર નાગરિક સહકારી બેંકની પડતી વર્ષ 1997માં શરૂ થઈ હતી. તે સમયે બેન્કના એક એમ.ડી. દ્વારા વડોદરાની બેન્કમાં ચરોતર નાગરીક સહકારી બેન્કના એલસી (લેટર ઓફ ક્રેડીટ) રજુ કરી કરોડો રૂપીયાની લોન લેવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ આ લેટર ઓફ ક્રેડિટ અંગે વડોદરાની બેન્કે ચરોતર બેંકમાં તપાસ કરતા લેટર નકલી હોવાનું સામે આવ્યું હતુ. અને મામલો રિઝર્વ બેંક પાસે પહોંચ્યો હતો. રિઝર્વ બેન્કના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ કરતા ચરોતર નાગરીક બેન્કના એલસી નકલી બનાવવામાં આવ્યા હોવાની ગંભીર બાબત બહાર આવી હતી.
ચરોતર બેંક પાસે હાલમાં 800 કરોડની મિલકત
ચરોતર નાગરિક સહકારી બેંક દ્વારા છેલ્લા બે દશકામાં વસુલાત સઘન બનાવવામાં આવી હતી. જેમાંથી ખાતેદારોના નાણા ભરપાઇ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ 31 હજાર જેટલાં ડિપોઝીટરના 13 કરોડ જેવી રકમ જેમની તેમ પડી છે. આટલી માતબર રકમ લેવા આવ્યા નથી. જોકે આમાંથી કેટલાક મૃત્યુ પામ્યા હોવાનું તો કેટલાક જેતે સમયે કેવાયસી પ્રક્રિયા ન હોવાથી ખોટા એકાઉન્ટ ઉભા કર્યા હોવાની શંકા પણ સેવાઈ રહી છે. અલબત્ત, એક અંદાજ મુજબ ચરોતર નાગરિક સહકારી બેંક પાસે 800 કરોડની મિલકત છે. આ ઉપરાંત 25 કરોડની ડિપોઝીટ છે.
વિરેન્દ્ર પટેલ ઇન્ટરપોલ ચેનલ દ્વારા અમેરિકાથી પરત ફર્યાં
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરે વિવિધ ગુનાઓમાં ગુજરાત પોલીસ દ્વારા રેડ નોટિસના આરોપી વીરેન્દ્ર મણિભાઈ પટેલને પરત લાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં હતાં. આણંદ ટાઉન પોલીસ મથકે વિરેન્દ્ર પટેલ સામે વિશ્વાસઘાત, ગુનાહિત કાવતરું, દસ્તાવેજોની બનાવટી બનાવટ, બનાવટી દસ્તાવેજનો ઉપયોગ, છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી કરાવવાનો ગુનો નોંધાયો હતો. રેડ નોટિસના આરોપી ચરોતર નાગરિક સહકારી બેંક, આણંદના ડિરેક્ટર હતા તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને રૂ. 77 કરોડની છેતરપિંડી કરી હતી. ગુજરાત પોલીસની વિનંતી પર સીબીઆઈએ 3જી માર્ચ, 2004ના રોજ ઇન્ટરપોલ તરફથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી અને વોન્ટેડ ગુનેગારને શોધી કાઢવા માટે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી. રેડ નોટિસના આરોપી વીરેન્દ્રભાઈ મણિભાઈ પટેલ 29મી જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાથી આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર મળી આવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં ગુજરાત પોલીસ ટીમને સોંપવામાં આવી હતી, જે આરોપીની કસ્ટડી મેળવવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી.
