Charotar

ચરોતરમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની કનડગતથી રોષ

આણંદ – ખેડા જિલ્લામાં સેન્ટ્રલ જીએસટીના વિવાદાસ્પદ વર્તણૂંક

વેપારીઓના મોબાઇલ જપ્ત કરી સીસીટીવી કેમેરા પણ બંધ કરાવી દે છે

આણંદ – ખેડા જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની વર્તણૂંકથી વેપારીઓ પરેશાન થઇ ગયાં છે. આ અધિકારીઓ વેપારના એકમની તલાસી દરમિયાન વેપારી મોટો ચોર હોય તે રીતે વર્તણૂંક કરે છે. આ ઉપરાંત મોબાઇલ જપ્ત કરવા, સીસીટીવી કેમેરા બંધ કરી દેવા વિગેરે બાબતોને લઇ વેપારીમાં રોષ ભડક્યો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.

આણંદ – ખેડા જિલ્લો એનઆરઆઈ હબ છે અને આગામી નવેમ્બર – ડિસેમ્બર માસમાં મોટા પાયે વિદેશથી આવતા ચરોતરવાસીઓ ખરીદી કરે છે. જેની તૈયારી વેપારીઓ અત્યારથી જ કરી રહ્યાં છે. આ ઉપરાંત શ્રાવણ માસના પગલે તહેવારોની પણ ખરીદી શરૂ થઇ છે. આ સ્થિતિ વચ્ચે અચાનક જ સેન્ટ્રલ જીએસટી હરકતમાં આવ્યું છે અને સ્થળ વિઝિટ કરવાના કિસ્સા વધારી દીધાં છે. આણંદ – ખેડા જિલ્લામાં વિઝીટ દરમિયાન અધિકારીઓ વેપારીના મોબાઇલ જપ્ત કરી લે છે. આ ઉપરાંત સીસીટીવી પણ બંધ કરાવી મનમાની કરી દસ્તાવેજો, કોમ્પ્યુટર તપાસ કરવા બેસી જાય છે. આ માનસિક ત્રાસથી વેપારીઓ રોષે ભરાયાં છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, વેપારીઓને તેમના વકિલ કે સલાહકારને પણ મળવાનો કોઇ પણ જાતનો આગ્રહ રાખવા દેતા નથી. બસ મનમાની કરી અને મનફાવે તેવા મનઘડત ટેક્સનું વર્કિંગ કરીને યેનકેન પ્રકારે વેપારી શરણે થાય અને પોતાનો આર્થીક લાભ કેવી રીતે સંતોષવું ? તે જ તેમનો પ્રયત્ન રહેલો દેખાય છે. જો વેપારી શરણે થાય તો તુરંત વર્કિંગ દેખાડવા પુરતૂ તૈયાર કરી આર્થિક ભારણ આપે છે. જો વેપારી પાસેથી કોઇ ભૂલ ન મળે તો ખોટી રીતે ટેક્સ ભરવા મજબર કરે છે. આખરે વેપારીને સાચો ન્યાય મેળવવા માટે અપીલનો સામનો કરવો પડે છે અને જે અપીલ કરવામાં પણ આર્થિક માર વેપારીને સહન કરવો પડે છે. આવા અધિકારીઓ પોતાનો મનસ્વી વલણ ઇન્સ્પેક્ટર રાજ કરી અને ખોટી રીતે કનડગત કરે છે. જેથી વેપારી આલમમાં ખૂબ નારાજગી જન્મી છે.

Most Popular

To Top