Charotar

ચરોતરમાં વન્યજીવની તસ્કરીનું કૌભાંડ પકડાયું

ખંભાતમાં વેપારી પાસેથી પ્રતિબંધીત અવશેષો મળી આવ્યાં

(પ્રતિનિધિ) ખંભાત તા.12

આણંદ જિલ્લા વન વિભાગ દ્વારા ખંભાતમાં વેપારીને ત્યાંથી વન્યજીવ અને તેના અવશેષોની તસ્કરીનું રેકેટ પકડી પાડ્યું હતું. જેમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિમાં વપરાતાં અવશેષો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ખંભાતમાં વન્ય જીવ તેમજ તેના અવશેષોનો વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી વન વિભાગને મળી હતી. આથી આણંદ વન વિભાગના નાયબ વન સંરક્ષક એન.ડી. ઇટાલિયનનો સંપર્ક કરતાં ખંભાત રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી. કે. મકવાણા સહિતની ટીમે વેપારીના ઘરે દરોડો પાડ્યો હતો. ખંભાત શહેરના ખારી કુઇ વિસ્તારમાં રહેતા હરેશ જગમોહન સોનીના ઘરમાં ઝડતી લેતાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત વન્યજીવ અવશેષો મેળી આવ્યાં હતાં. ખંભાતનો વેપારી હરેશ જગમોહન સોની ઘરમાં જ દુકાન બનાવીને પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ચોરી છુપીથી વેપાર કરતો હતો. આથી, ગ્રાહક બની ઘરમાં પહોંચતાં મોટા પાયે વન્યજીવ અવશેષો શોધી કાઢવામાં આવ્યાં હતાં. જેમાં દરિયાઇ ઇન્દ્રજાળ 490, ફોટો ફ્રેમમાં મઢેલી ઇન્દ્રજાળ 14, ચંદન ઘોની હાથ જોડી 2, ચામડી વગરના નખ 25, ચામડી સાથેના નખ 47, છીપલા 2, મોતી શંખ 2, કોરલ પથ્થર મળી આવ્યો હતો.

આ અંગે આણંદના નાયબ વન સંરક્ષક એન.ડી. ઇટાલિયને જણાવ્યું હતું કે, વન્યજીવ અવશેષોની માંગ મંત્ર તંત્ર વાળી તાંત્રિક વિધિઓ દરમિયાન વધુ રહેતી હોય છે. આવી વિધિમાં વન્યજીવોના ભાગનો ઉપયોગ કરવા માટે કોઇ તર્ક નથી. પરંતુ અંધ શ્રધ્ધાળુ લોકો દ્વારા આવી પ્રવૃત્તિઓ વેગ આપે છે.

ખંભાતમાં શંકાસ્પદ વેપારીઓને ત્યાં કાર્યવાહી કરાશે

ખંભાત શહેર અકિકના પથ્થરોના વેપાર માટે જગવિખ્યાત છે. કેટલાક વેપારીઓ દ્વારા લોકોની અંધશ્રદ્ધાનો લાભ લઇ આવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો વેપાર કરવામાં આવે છે. સમયાંતરે આખા ખંભાત શહેરના તમામ વેપારીને ત્યાં તપાસ કરવામાં આવશે. જ્યાં આવી ચીજ વસ્તુઓના વેપાર મળશે તો કાર્યવાહી હાથ ધરાશે.

– ડી. કે. મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખંભાત.

રાજ્ય વ્યાપી વેપાર ચાલતો હોવાનું ખુલ્યું

ખંભાતમાં હરેશ સોની પાસેથી પકડાયેલી પ્રતિબંધિત વન્યજીવોની સામગ્રી અંગે પુછપરછ કરતાં આ રાજ્યવ્યાપી નેટવર્ક હોવાનું ખુલ્યું છે. પ્રથમ ભાવનગરમાં આ વસ્તુ પકડાઇ હતી. બાદમાં તેની તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાંથી ખંભાત સુધી પહોંચ્યો છે. હવે, તે રેલો નડિયાદ પહોંચ્યો છે. જેથી નડિયાદ વન વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ત્યાં મોડી સાંજે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top