Charotar

ચરોતરમાં ચોથું માવઠું: પાકનો સોંથ વળ્યો

 સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી,  હોડિંગ-બેનરો ફાટ્યાં, ઉભો પાક ભોંયભેગો થયો 

( પ્રતિનિધિ) આણંદ તા 14

ચરોતરમાં  વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં ખેતરોમાં ઊભા પાકનો સોંથ વળ્યો છે, ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાં છે તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લગાવેલ હોડિંગ-બેનરો ફાટ્યાં છે . રાજ્યના મોટાભાગના જિલ્લાઓ  સાથે આણંદ ખેડા મહીસાગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આથી ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જેમાં ખેડૂતના તૈયાર પાક ડાંગર, મગ, તલ, બાજરી, કેરી સહિતનાને નુકસાન થયું છે. તો સાથે જ  જિલ્લાભરમાં વૃક્ષો ધારાશાયી થવાની સાથે ઠેર-ઠેર લાગેલાં હોડિંગ્સ અને બેનરો ફાટ્યાં હોવાનાં અહેવાલ મળ્યા છે. તદુપરાંત ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થતા થોડા ઘણા સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આગામી ત્રણ ચાર દિવસ સુધી  કમોસમી વરસાદની વકી હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, 2024ના વર્ષની શરૂઆતથી આ ચોથું માવઠું છે.સોમવારે આણંદ ખેડ સહિત સમગ્ર ગુજરાતમાં  વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા પહેલાંથી જ 16 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે. ભારે પવન ફુંકાતા અને વરસાદ થવાથી તૈયાર પાકને નુકશાન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

 આ વખતે જાન્યુઆરી 2024થી કમોસમી વરસાદ શરૂ થયો છે. સૌપ્રથમ માવઠું જાન્યુઆરી મહિનામાં, ત્યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવ્યું હતું. હવે ફરી વર્તમાન મે મહિનામાં એક વખત કમોસમી વરસાદ આવતા ડાંગર, મગ, તલ, કેરી સહિત બાગાયતી પાકોની નુકસાન થયું છે. 

Most Popular

To Top