Charotar

ચરોતરમાં ગરમીનો મીજાજ, બપોર થતાં માર્ગો સુમસામ

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં આંકરા ઉનાળાનો અનુભવ, તાપમાન 42 ડિગ્રી પર પહોંચ્યું

આણંદ અને નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઊંચે ચઢતાં જનજીવનને અસર

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ગરમીનો પારો વધી ગયો છે. સવારના 10 વાગ્યાથી જ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગે છે. તેમાંય બપોર થતાં જ માર્ગો પર સ્વયંભુ કરફ્યું હોય તેવો માહોલ જોવા મળે છે. લોકો ઘર અને ઓફિસમાં જ પુરાઇ રહેવાનું જ પસંદ કરી રહ્યાં છે. જોકે, સૌથી વધુ કફોડી સ્થિતિ પશુ અને પક્ષીઓની થઇ છે.

ખેડા જિલ્લામાં ઉનાળામાં આકરો તાપ પડી રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં અંગ દઝાડતી ગરમીથી જીલ્લા વાસીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. તો આવી ગરમી ટાંણે બપોરના સમયે ખાસ અસર જોવા મળે છે. નડિયાદ શહેરમાં અતિવ્યસ્ત એવા સ્ટેશન રોડ, સંતરામ રોડ, પીજ રોડ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો સહિત રાહદારીઓની ઓછી ચહલપહલ જોવા મળે છે.

સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ તાપમાનનો પારો ઊંચે ચઢ્યો છે. નડિયાદ, મહુધા, વસો, ખેડા, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર તાલુકા મથકે અને ગામતળમાં ગરમીની ઈફેક્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરના 1થી 4ના સમયગાળામાં લોકો બહાર જવા આવવાનું ટાળે છે અને ઘરમાં પુરાઈ રહે છે. જેના કારણે સતત 24 કલાક વાહનો અને રાહદારીઓથી સતત ધમધમતો રોડ પર આ સમયે એકલદોકલ લોકો આવનજાવન કરતા જોવા મળી રહ્યા છે.

નડિયાદ શહેરમાં આજે તાપમાન 39 ડીગ્રી નોંધાયું છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ તાપમાન વધે તેવી સંભાવના છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લા વાસીઓ હીટ વેવનો ભોગ ન બને તે હેતુસર પુરતા પ્રમાણમાં શરીરમાં પાણી પીવો તેવી અપીલ કરાઈ છે. મહત્વનું છે કે, હજી ચૈત્ર માસ ચલી રહ્યો છે. ત્યારે આગામી વૈશાખ પણ હજી બાકી છે ત્યારે આવનાર દિવસોમાં નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં તાપમાનનો પારો વધે તો નવાઈ નહીં રહે.

Most Popular

To Top