Charotar

ચરોતરના વેપારી સાથે જીએસટી અધિકારીઓના ઉદ્ધત વર્તનથી રોષ

આણંદ – ખેડા જિલ્લાના વેપારીઓને બાયોમેટ્રિક માટે વડોદરા ધક્કો ખાવો પડી રહ્યો છે

નવા જીએસટી નંબરની સ્થળ તપાસ દરમિયાન રોફ જમાવતા હોવાથી નારાજગી જન્મી

(પ્રતિનિધિ) આણંદ, તા.3

ચરોતરમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી અધિકારીઓની કનડગતથી વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને નવો જીએસટી નંબર લઇ ધંધો કરતાં વેપારી જાણે કોઇ મોટી ચોરી કરવાનો હોય તે રીતે વેપારીઓ સ્થળ તપાસ દરમિયાન રોફ જમાવી આર્થીક ફાયદાની વાત કરતાં હોવાના આક્ષેપો ઉઠ્યાં છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા વેપારીઓએ ચક્રોગતિમાન કર્યાં છે.

આણંદ – ખેડા જિલ્લામાં કોઇ વ્યક્તિને નવો વેપાર શરૂ કરવો હોય તો લોઢાના ચણા ચાવવા બરાબર થઇ ગયું છે. વેપારીને ધંધો શરૂ કરે ત્યારે નવો જીએસટી રજીસ્ટ્રેશન નંબર લેવાનો હોય છે. આ નંબર લેવાની પ્રક્રિયામાં કાયદાની જોગવાઈ મુજબ વેપારીને ઓનલાઇન જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. આ ડોક્યુમેન્ટનું વરીફીકેશન થયા બાદ, તમામ પ્રકિયા ઓનલાઈન છે. જે પૂરી થયા બાદ વેપારીને બાયોમેટ્રિક કરવા માટે વડોદરા સુધી એક ધક્કો ખાવાનો હોય છે. બાદ જીએસટી વિભાગનાં નિરીક્ષક દ્વારા તેની સ્થળ તપાસ કરવાતા હોય છે. જેમાં નિરીક્ષકના રિપોર્ટના આધારે ફાયનલ જીએસટી નંબર મળે છે. પરંતુ નિરીક્ષકે કરવાની કામગીરીમાં સ્થળ તપાસમાં વેપારીએ ઓનલાઈન રજૂ કરેલાં ડોક્યુમેન્ટ મુજબ તે સ્થળ, આપેલ વિગતો સાચી છે કે નહીં તેની ખરાઈ કરવાનુ કામ નિરીક્ષક કરે છે. પરંતુ સ્થળ તપાસ બહાને નિરીક્ષક સવારથી જ સરકારી ખર્ચે ભાડે રાખેલી ગાડીમાં ‘જીએસટી’ લખેલું બોર્ડ મારી વેપારીના સ્થળ ઉપર જઈ અને રોફ જમાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. આથી, વેપારી નવો ધંધો ચાલુ કરતા પહેલા જાણે કે ગેરકાયદેસર ધંધો કરવાનો હોય, ચોરી કરવાની દ્રષ્ટીથી જ નંબર માંગ્યો હોય તેવો વ્યવહાર સ્થળ ઉપર કરવામાં આવે છે. બાદમાં પોતાનો આર્થિક અંગત લાભ મળતાં જ બધું સરખું દેખાવા લાગતું હોવાના પણ આક્ષેપો થઇ રહ્યાં છે.

આ ઉપરાંત સુધારા-વધારાની અરજી હોય કે સમાન્ય ફેરફારની કોઈ ઓનલાઈન અરજી હોય તો તેમાં સ્થળ તપાસ કરવાનો કોઈ અવકાશ પણ હોતો નથી. પરંતુ કાયદાની આંટી ઘૂંટી નાંખી તેની સ્થળ તપાસ ઉભી કરાય છે. કેટલાંક કિસ્સામાં વધુ પુરાવાની જરૂર જણાવીને વેપારીને સાંજે 6:00 વાગ્યા પછી સરકારી કચેરીમાં વિગત લઇને બોલાવવામાં આવે છે. લાંબા સમય સુધી કચેરીમાં વેપારીને બેસાડી રાખવામાં આવે છે. જેના કારણે વેપારીના રિમાન્ડ હોય તેવા અનુભવોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ખેડા કલેક્ટરની મુલાકાતમાં જીએસટી કચેરીની પોલ ખુલી હતી

નડિયાદ સ્થિત જીએસટી કચેરી ખાતે ખેડા કલેક્ટરે આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન નિરીક્ષક અને બીજા અનેક અધિકારીઓની લાલિયાવાડી બહાર આવી હતી. પરંતુ જીએસટી અધિકારીઓમાં તેની કોઇ જ અસર જોવા મળી નહતી. આથી, આવા અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.

બેન્ક એકાઉન્ટની અપડેટ ન કરનાર વેપારી આર-1 ફોર્મ નહીં ભરી શકે

જીએસટી રજીસ્ટ્રેશનમાં નંબર મેળવતા સમયે બેંક એકાઉન્ટ ની વિગત દર્શાવવાની બાકી રહી ગયેલ હોય તેવા વેપારીઓ બેંક એકાઉન્ટની વિગત અપડેટ નહીં કરે ત્યાં સુધી આગામી જીએસટી આર-1 ભરી શકશે નહીં. આ બાબતે તા:1- 9-2024 થી સુધારો કરવામાં આવેલો છે

Most Popular

To Top