અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના મુસાફરોને લઇ પરિવારજનોમાં દોડધામ મચી
આણંદ.
અમદાવાદ ખાતે ગુરૂવારની બપોરે એર ઇન્ડીયાના ક્રેસ થયેલા પ્લેનમાં આણંદ – ખેડાના દસથી વધુ મુસાફરો હોવાનું પ્રાથમિક માહિતીમાંથી બહાર આવ્યું છે. આ મુસાફરોમાં મોટા ભાગના લંડન સ્થાયી થયાં હતાં અને કોઇને કોઇ કારણસર વતન આવ્યાં હતાં. આ ઉપરાંત કેટલાક પ્રથમ વખત જ લંડન જઇ રહ્યાં હતાં.
અમદાવાદથી લંડન જઇ રહેલા પ્લેનમાં દોઢ સોથી વધુ મુસાફરો સવારી કરી રહ્યાં છે. જેમાં આણંદ, ખેડા જિલ્લાના વતની પણ હતાં. આ પ્લેન દૂર્ઘટના થતાં જ તેમના પરિવારજનોમાં દોડધામ મચી હતી. ચિંતિત પરિવારજનો તાત્કાલિક અમદાવાદ જવા નિકળ્યાં હતાં. પ્રાથમિક માહિતીમાં લંડન જતી ફ્લાઇટમાં આણંદ જિલ્લાના પાર્થ પી. શર્મા (તારાપુર), મુકુંદભાઇ અંબાલાલ પટેલ (પૂર્વ સરપંચ પીપળોઇ, તા. ખંભાત), હર્ષિકાબહેન જયંતીભાઈ પટેલ અને જયંતીભાઈ સી. પટેલ (રહે. જલસણ, તા. ખંભાત, હાલ યુકે), શશીકાંત રાવજીભાઈ પટેલ અને શોભનાબહેન શશીકાંત પટેલ (રહે. ભરોડા, તા. ઉમરેઠ), મંજુબહેન મહેશભાઈ પટેલ (રહે. વટાદરા, તા. ખંભાત હાલ લંડન) અને નિખીલ પટેલ (રહે. ફાંગણી, તા. પેટલાદ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના મુસાફરોમાં રૂદ્ર ચિરાગભાઈ (રહે. વણસોલી, તા. મહેમદાવાદ, રહે. લંડન), નડિયાદનું દંપતી મહાદેવભાઈ પવાર અને આશાબહેન પવારનો પણ સમાવેશ થાય છે.