કેમિકલ ભરેલ ટેન્કર હાઈવેની રેલીંગ તોડી અંદાજે 20 ફુટ ઊંડા ખાડામાં ખાબક્યુ
પ્રતિનિધિ) નડિયાદ, તા.24
નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી નજીક આજે બપોરે એક કેમિકલ ભરેલ ટેન્કર હાઈવેની રેલીંગ તોડી અંદાજે 20 ફુટ ઊંડા ખાડામાં ખાબક્યુ હતું. આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો છે પરંતુ ટેન્કરમા ભરેલ હાઈડ્રોજન પેરોક્સાઈડ નામનું કેમિકલ લીક થતાં ભારે અફડાતફડી મચી હતી. ખાસ તો ધુમાડો ફેલાતા અગાઉ જેવી મોટી કોઈ ઘટના ન બને તે માટે પ્રશાસન તત્કાલ દોડી ગયું હતું અને લીકેજ બંધ કર્યું હતું.
અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી નજીકના શનિવારે બપોરે એક કેમિકલ ભરેલું ટેન્કર નંબર જી.જે. 06, એ.ટી. 6296 હાઈવેની રેલીંગ તોડી 20 ફુટ નીચે પટકાયું હતું. આ બનાવમાં ટેન્કર ચાલકનો બચાવ થઈ ગયો છે. પરંતુ ટેન્કર નીચે પટકાતા તેમાં ભરેલ હાઈડ્રોજન પેરોક્સાઈડ નામનું કેમિકલ લીક થયું હતું. હજુ થોડા મહિના પહેલાં જ એક્સપ્રેસવે પર જ એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ગેસ ગળતર થયું હતું અને ખૂબ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેમજ નડિયાદ સહિત આસપાસના ગામોમાં તે વખતે ધુમાડો પ્રસરી જતા લોકો માટે મોટી મુસીબત ઊભી થઈ હતી. તેવા સમયે આજની આ ઘટનાની જાણ હાઈવે પેટ્રોલીંગ અને ચકલાસી પોલીસને થઈ હતી. સાથે સાથે આ બનાવનો કોલ નડિયાદ ફાયર સ્ટેશનને પણ મળ્યો હતો. જેના કારણે આ તમામ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતા નડિયાદ ગ્રામ્ય મામલતદાર તેમજ SDRFની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. ટેન્કર ચાલકના જણાવ્યા મુજબ આ ટેન્કર તે દહેજથી અમદાવાદ તરફ લઈ જતી વેળાએ આ ઘટના બની છે. ટેન્કરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ નામનું અંદાજે 16000 લિટર કેમિકલ ભરેલું હતું. ઘટનાને પગલે આણંદ ફાયર સ્ટેશનની પણ મદદ લેવામાં આવી છે. ફાયર વિભાગની ટીમો પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીકેજ થતું કેમિકલને અટકાવવાની કામગીરી શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને લઈ નડિયાદ ડીવાયએસપી, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, આ અકસ્માતમા કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ કેમિકલ લીકેજ થતા હાલ આ લીકેજ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બોક્સ:-
આણંદ ફાયરની ગાડીઓ આવી ગઈ
આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું કે, હાલ આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી આવી ગયેલ છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ અમે આડુ પડેલ ટેન્કરને ક્રેઈન મારફતે ઊભુ કરી રહ્યા છે જો તેમ કરવામાં સફળતા મળશે તો તુરંત આ લીકેજ છે તેને દુર કરી શકાશે.