Madhya Gujarat

ચકલાસીમાં પતિને વિદેશ મોકલવા પત્ની પાસે રૂ.5 લાખ માંગ્યાં

ખંભાતના નગરા ગામમાં પિયર આવેલી પરિણીતાએ સાત સાસરિયા સામે ફરિયાદ આપી


ખંભાતના નગરા ગામમાં પિયર આવેલી પરિણીતાને ચકલાસી ગામમાં રહેતા સાસરિયાએ ઘરના કામકાજ બાબતે અસહ્ય ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પતિને વિદેશ મોકલવા પ્રથમ પાંચ લાખ લીધા બાદ વધુ પાંચ લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપ્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો.
ખંભાતના નગરા ગામમાં રહેતા વિનોદભાઈ રબારીની દિકરી આરતીબહેનના લગ્ન તેજસકુમાર લાલજીભાઈ રબારી (રહે. ચકલાસી) સાથે વર્ષ 2020માં થયાં હતાં. આ લગ્ન બાદ આરતીબહેન સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેમના પતિ તેજસકુમાર કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. જોકે, લગ્નના છ મહિના બાદ નાની – નાની બાબતે ઝઘડા શરૂ થયાં હતાં. આરતીબહેનને ઘરનું કામકાજ આવડતું નથી, તેમ કહી પતિને ચઢવણી કરતાં મામલો મારઝુડ સુધી પહોંચતો હતો. આ ઉપરાંત અવાર નવાર મ્હેણાં – ટોણાં મારતાં હતાં. આ ઉપરાંત બે વર્ષ પહેલા સાસરિયાએ આરતીબહેનના પતિ તેજસને વિદેશ મોકલવા બાબતે પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લીધાં હતાં. પરંતુ ઘણો સમય થવા છતાં તેજસ વિદેશ જવાની કોઇ ફાઇલની પ્રક્રિયા થઇ નહતી. જ્યારે જેઠ જીગર રતીલાલ રબારી પણ અવાર નવાર આરતીબહેનને તારા પગલાં સારા નથી, જેથી વિદેશમાં જવા બાબતે કામ આગળ વધતું નથી. તેમ કહી મ્હેણાં – ટોણાં મારતાં હતાં. સાસરિયા પણ તેજસનું ઉપરાણી લઇ બીજા પાંચ લાખ રૂપિયા તેજસને આપવા પડશે જ તેમ કહી ચઢવણી કરતાં હતાં અને જો રૂપિયા ન આપે તો ઘરેથી કાઢી મુકવા જણાવતાં હતાં.
તેમાંય વર્ષ – 2022ના ડિસેમ્બર મહિનામાં ફરીથી તેજસને દહેજના બીજા પાંચ લાખ રૂપિયા પિતાના ઘરેથી લઇ આવવા દબાણ કર્યું હતું. જે અંગે ના પાડતા આરતીબહેનને પહેરેલ કપડે જ કાઢી મુક્યાં હતાં. આરતીબહેનને ઘરણાં અને અસલ ડોક્યુમેન્ટ પણ પતિ પાસે જ રાખ્યાં હતાં. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તેજસ લાલજી રબારી, ગીતાબહેન લાલજીભાઈ રબારી, કાજલબહેન લાલજીભાઈ રબારી, જૈમીન લાલજીભાઈ રબારી, જીગર રતીલાલ રબારી, નિલેશ હરજીભાઈ રબારી અને મધુભાઈ પુંજાભાઈ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top