હાલોલ: રાજગઢ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એમ પરમારના માર્ગદર્શન હેઠળ હાલોલ વન વિભાગની મોબાઇલ સ્કોડ તથા રાજગઢ વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ સહિત વનવિભાગના સ્ટાફે ઘોઘંબા તાલુકામાં વૃક્ષછેદન તથા ગેરકાયદેસર લાકડા વહન કરતાં વાહનો સામે ઝુંબેશ ઉપાડી છે. જેમાં ગતરોજ ચંદ્રનગર જીતપુરા રોડ ઉપર વન વિભાગ અધિકારી તથા કર્મચારીઓ નાકાબંધી કરી ઉભા હતા તે દરમિયાન એક ટ્રક નંબર જીજે.17 T 5188 પંચરાઉ ઇમારતી લાકડા ભરી ત્યાંથી પસાર થતી હતી વન વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે ટ્રક સામે ઊભા રહી ટ્રકને રોકી હતી અને ટ્રક ચાલક પાસે પંચરાઉ ઇમારતી લાકડાની પાસ પરમિટ માંગતા ચાલક પાસેથી કોઈપણ જાતની પાસ પરમિટ મળી ન હતી. જેથી રાજગઢ વન વિભાગે ટ્રક સહિત કુલ રૂપિયા 4.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક ને રાજગઢ વન વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં મુકવામાં આવી હતી. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પકડવામાં એસ.પી.મહેડા પ.વ.અ મો. સ્કોડ હાલોલ, એમ.એસ.પલાશ રા.ફો.કાનપુર, બી.બી.બારીઆ રા.ફો મો. સ્કોડ હાલોલ, એસ.વી.પારગી બી.ગા મો. સ્કોડ હાલોલ, એસ.એમ.રાઠવા બી.ગા.વાવ, વી.આર ચૌધરી બી.ગા. રાજગઢએ મહત્વની ભૂમિકા ભજવી હતી.