Vadodara

ઘોઘંબા: રણજિતનગરની GFL કંપનીમાં 20 દિવસમાં બીજીવાર ગેસ લીકેજ

સુરક્ષા પર ગંભીર સવાલ, લોકોમાં આક્રોશ!


પ્રતિનિધી ગોધરા તા.30

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)ના રણજિતનગર પ્લાન્ટમાં આજે ફરી એકવાર ઝેરી કેમિકલ ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટનાએ કંપનીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, GFLના પ્લાન્ટમાં એક બોઇલરમાંથી ગેસ લીક થતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગેસ લીક થવાની જાણ થતાં જ કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે, આ વર્તમાન ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

નોંધનીય છે કે, આ પહેલા 10 સપ્ટેમ્બર 2025ના રોજ પણ GFL કંપનીમાં આવી જ એક ગંભીર ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં 12 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી અને તેમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. 10 સપ્ટેમ્બરની ઘટનામાં પાઇપલાઇનમાંથી એરકન્ડિશનરમાં વપરાતો R-32 નામનો ગેસ લીક થયો હોવાનું જિલ્લા પોલીસ અધીક્ષકે જણાવ્યું હતું, જેના કારણે કામદારોને ઊબકા-વોમિટિંગની ફરિયાદ થઈ હતી.

વારંવાર બની રહેલી આ ગંભીર ઘટનાઓને કારણે કંપનીના કામદારો સહિત આસપાસના ગામડાઓના લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “આ ઘટાઓ પાછળ શું કારણ છે? કંપનીમાં કોઈપણ પ્રકારના સલામતી તેમજ ચકાસણી કેમ કરવામાં આવતા નથી?”

બીજીવાર ગેસ લીકેજની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સતત બીજીવાર બનેલી આ ઘટનાને પગલે, GFL કંપનીના સુરક્ષા ધોરણો અને જવાબદારી અંગે સઘન તપાસ થાય તે જરૂરી બન્યું છે.

Most Popular

To Top