સ્થાનિકોમાં ચકચાર, ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
મૃત્યુનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ
હાલોલ:
ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરમાં આવેલા કૂવામાંથી એક ઈસમનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ તથા હાલોલ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નાથપુરા ગામના કુવા ફળિયામાં આવેલા ખેતરના કૂવામાં એક વ્યક્તિનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ રાજગઢ પોલીસને કરવામાં આવતા પીઆઈ જાડેજાએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
બાદમાં હાલોલ નગરપાલિકાની ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહની ઓળખ રાઠવા વિક્રમભાઈ રમણભાઈ (ઉંમર આશરે 35 વર્ષ), રહે. કુવાપડું, નાથપુરા તરીકે થઈ હતી.
મૃતક કઈ રીતે કૂવામાં પડ્યા અને ઘટના પાછળનું કારણ શું છે તે અંગે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ