પત્ની વચ્ચે બોલાચાલીમાં પાડોશીઓ દ્વારા લાકડી તેમજ ગડદાપાટુથી હૂમલો કરાયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 13
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વેલ કોતર ગામમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં સામે રહેતાં લોકોએ પોતાને અપશબ્દો બોલી રહ્યાનું માનીને દંપતી પર હૂમલો કરતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે ઘોઘંબા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વેલ કોતર ગામમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા આશરે 35 વર્ષીય યુવક શૈલેષભાઇ સોમાભાઇ તડવીના પરિવારના કેટલાક સભ્યો ગત તારીખ 05મી જાન્યુઆરીના રોજ હાલોલ ગયા હતા તે દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યા દરમિયાન જમતી વેળાએ શૈલેષભાઇ ને પોતાની પત્ની સાથે કોઇ બાબતે બોલાચાલી થતાં શૈલેષભાઇ અપશબ્દો બોલતા હોય તેઓના મકાન સામે રહેતા લક્ષ્મણ છગન,ઉમેશ લક્ષ્મણ તથા તેઓના ઘરના સભ્યોએ શૈલેષભાઇ ને આવીને અમને ગાળો કેમ બોલો છો તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ચાર થી પાંચ લોકો શૈલેષભાઇ ને મારવા આવતા શૈલેષભાઇ અને તેમના પત્નીએ બચાવ માટે ઘરની અંદરનો દરવાજો બંધ કરી લીધો હતો છતાં સામેવાળાઓએ દરવાજામાં લાતો મારી દરવાજો ખોલી શૈલેષભાઇ તથા તેમના પત્ની સહિતના સભ્યો પર હૂમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો જે અંગેની જાણ શૈલેષભાઇના પિતા સોમાભાઇ ડામોરને થતાં તેઓ હાલોલથી દોડી આવ્યા હતા અને શૈલેષભાઇ સાથે ઘોઘંબા પોલીસ સ્ટેશને બાઇક લઇને ફરિયાદ અરજી આપી પરત ઘરે આવ્યા તે દરમિયાન અચાનક સામે રહેતાં લોકોએ લાકડી તથા પાણી ભરવાની ડોલથી હૂમલો કર્યો હતો જેમાં શૈલેષભાઇ ને માથામાં લાકડીના ફટકાથી માથું ફાટી ગયું હતું જેથી તેઓને 108 મારફતે ઘોઘંબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર માટે ગોધરા લઈ જવાં રીફર કરતાં ઇજાગ્રસ્ત શૈલેષભાઇ ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવારની જરૂર હોય તેને ફરી વાર ઘોઘંબા થી વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ માથામાં વધુ ઇજાઓ હોય પરિજનો દ્વારા એસ.એસ.જી.હોસ્પિટલમાથી શહેરના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં શૈલેષભાઇ ના માથાનું ઓપરેશન બાદ ફરી એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત તા. 12જાન્યુઆરીના રોજ સાંજે છ વાગ્યે સારવાર દરમિયાન મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તથા સમગ્ર મામલે ઘોઘંબા પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
