Vadodara

ઘોઘંબાની GFL કંપનીમાં થયેલ ગેસ લિકેજની દુર્ઘટનામાં વધુ એક કર્મીનું મોત થતાં કુલ મૃત્યુઆંક બે

મૃતક લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો અને વડોદરા ખાતે પત્ની અને બે વર્ષની બાળકી સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા.12

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ નામની કેમિકલ કંપનીમાં બે દિવસ પહેલા ગેસ લિકેજની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દસથી વધુ લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી જેમાં એક વ્યક્તિ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે વડોદરા ખાતે રિફર કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા વધુ એક કર્મી નું ગુરુવારે સાંજે મોત નિપજ્યું છે આમ અત્યાર સુધીમાં આ બીજું મોત નિપજ્યું છે.

પંચમહાલ જિલ્લામાં આવેલ ઘોઘંબા તાલુકાના રણજીત ગામે ગત તા. 10 સપ્ટેમ્બર ના રોજ બપોરે બાર થી સાડા બાર વાગ્યાના સુમારે ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ (GFL) નામની કંપનીમાં ગેસ લીકેજ ની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ફરજ પરના કર્મીઓ ગેસ ગળતરની અસરનો ભોગ બનતા તેમાંથી છ અસરગ્રસ્તોને હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં, તથા કૃપાળુ નર્સિંગ હોમમાં ત્રણ અસરગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે હાલોલ રેફરલ બે વ્યક્તિઓ ને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એક નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે બાકીના કર્મીઓને વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.હાલોલ રેફરલ હોસ્પિટલમાંથી બે દર્દીઓને ગંભીર હોય રિફર કરીને વડોદરાના ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી આ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા સંજય પ્રતાપસિંહ મહિલાનું ગત મોડી સાંજે મોત નિપજ્યું હતું. મૃતકના ભાઇના જણાવ્યા અનુસાર, તેમનો ભાઇ સંજય પ્રતાપસિંહ મહિડા પોતાની પત્ની અને બે વર્ષની પુત્રી સાથે વડોદરા ખાતે ભાડેથી રહેતો હતો અને ઘોઘંબા તાલુકાના રણજીત ગામે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો તે દરરોજ અપડાઉન કરતો હતો.ઘટના બની ત્યારબાદ તેણે પોતાના ભાઇ સાથે ગુરુવારે સાંજે જમવા બાબતે વાત કરી હતી પરંતુ ત્યારબાદ પાંચ વાગ્યે અચાનક તેની તબિયત ખરાબ થઈ હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો તથા સીપીઆર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જેમાં તેના ફેફસામાં કેમિકલ ની ગંભીર અસર થી તેના અંગો કામ કરતા બંધ થયા હોવાનું જણાવ્યું હતું. આમ આ ગેસ ગળતર ની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બીજું મોત નિપજ્યું છે. જ્યારે હજી ચારેક કર્મીઓ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક સંજય મહિડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top