પશ્ચિમ વિસ્તારમાં વિકાસકાર્યો શરૂ થયા, પણ સ્થાનિકોની ફરિયાદ: “પહેલાં પાણી ભરાવાની અને ગટરની સમસ્યા ઉકેલો પછી જ નવા કામો.”



વડોદરા શહેરના વોર્ડ નં. 11માં પ્રજાલક્ષી વિવિધ વિકાસના કામો માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે થનારા કાર્યોના શુભારંભ નિમિત્તે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે હોબાળો થયો હતો. એક તરફ સ્થાનિક ધારાસભ્ય, પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરો આ વિકાસના કાર્યોને વધાવી રહ્યા હતા, તો બીજી તરફ વિસ્તારના સ્થાનિક રહીશોએ છેલ્લા કેટલાય સમયથી ન મળતી પાયાની સુવિધાઓ અંગે ધારાસભ્યનો ઘેરાવો કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નં. 11માં સ્થાનિકોને વધુ સુવિધા આપી શકાય અને પાયાની સુવિધા મજબૂત બને તેવા હેતુથી રૂપિયા ચાર કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યની સાથે મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ વિકાસકાર્યોના ખાતમુહૂર્તને આવકારવાને બદલે પોતાની વર્ષો જૂની સમસ્યાઓનો હિસાબ માંગ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી પાયાની સમસ્યાઓની વણઉકેલાયેલી છે ?, જેમકે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાને કારણે જનજીવન ખોરવાય છે, વારંવાર ડ્રેનેજ લાઈનો ઉભરાવવાને કારણે ગંદકી અને રોગચાળાનો ભય રહે છે,
વિસ્તારના રોડ રસ્તા પાકા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ આ તમામ સમસ્યાઓ અંગે ધારાસભ્ય સમક્ષ તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમનો સવાલ હતો કે, જો વિસ્તારમાં પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ ન હોય તો આ રૂ. 4 કરોડના નવા વિકાસકાર્યોનો શું હેતુ છે?
આ મામલે સ્થાનિક ધારાસભ્યએ લોકોની રજૂઆતો સાંભળીને તમામ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ પ્રસંગે થયેલા વિરોધના પગલે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.