કાલોલ |
કાલોલ તાલુકાના ઘુસર રોડ પર અચાનક ભૂંડ રસ્તા પર આવી જતા મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં પિતા–પુત્ર ઈજાગ્રસ્ત થવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૨ ડિસેમ્બરના રોજ ઘુસર રોડ પ્લોટ વિસ્તારમાં રહેતા ફારૂક અબ્દુલમજીદ પાડવા પોતાના પુત્ર એજાજ સાથે રાત્રિના સમયે વલમપૂરી ગામે મજૂરી કામ માટે મજૂરોને કહેવા જઈ રહ્યા હતા. ઈમામભાઈના પ્લાન્ટ સામે પહોંચતા રોડ ઉપર અચાનક ભૂંડ આવી જતા ફારૂકભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. પરિણામે પિતા–પુત્ર બંને રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં ફારૂકભાઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે પુત્ર એજાજને બંને હાથ તથા ઘૂંટણના ભાગે છોલાઈ જવાની સાથે ડાબી બાજુ થાપાના ભાગે ઈજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
બનાવ અંગે ફરિયાદ નોંધાતા વેજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર જંગલી પ્રાણીઓ અચાનક આવી જતાં અકસ્માતોની શક્યતા વધતી હોવાને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.