વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામા રહેતા લોકોએ કારની તોડફોડ કરી :
જરોદ પોલીસે ફરિયાદને આધારે ફરાર કારચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને પગલે કારચાલક અકસ્માતો સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે સમગ્ર બનાવે જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે. જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી. આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયરના નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાંચની તોડફોડ કરી હતી. જ્યારે કાર ચાલક જ ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કારચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.