સતત બીજા દિવસે રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ચિંતા વધીઃ
રેસ્ક્યુ ટીમે ગામલોકોના સહકારથી મગરને સુરક્ષિત રીતે પકડ્યો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 2
વડોદરા નજીક દેણા ચોકડી પાસે આવેલા વિરોદ ગામે ખેતર નજીક આવેલા એક ઘર પાસે અચાનક મગર દેખાતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા વન્યજીવો માટે કાર્યરત ખાનગી સંસ્થાના રેસ્ક્યુઅરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી અને મગરને સલામત રીતે પકડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે મગર રહેણાંક વિસ્તારમાં દેખાવાની ઘટના સામે આવતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વિરોદ ગામે ખેતર નજીક આવેલા ઘર પાસે આશરે સાડા પાંચ ફૂટનો મગર દેખાતા સ્થાનિક લોકોએ તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.

માહિતી મળતા સંસ્થાના કાર્યકર વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિત સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ઘર નજીક મગર જોવા મળતા વન વિભાગના અધિકારી નીતિન પટેલને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામલોકોના સહકારથી મગરનું સફળ રેસ્ક્યુ કરીને તેને સહીસલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.