• નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં ક્રૂર ઘટના, વિસ્તારમાં ચકચાર
• પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં આવેશમાં આવી પતિએ પત્નીનો જીવ લીધો
વડોદરા::
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકંકાસ દરમિયાન પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
માહિતી મુજબ બરાનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપ સામે આવેલી બકરાવાડી સ્થિત નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં રહેતી રીટાબેન સોલંકીની તેમના પતિ વિરાટ ઉર્ફે બંટી સોલંકીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કહેવાય છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો અને આ વિવાદ વધતા પતિ આવેશમાં આવી ગયો હતો, જેના પરિણામે આ કરુણ બનાવ બન્યો.

રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં વાડી પોલીસ અને નવાપુરા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

હત્યાનો આરોપી.પતિ
મૃતક રીટાબેનને સંતાનમાં એક પુત્ર છે, જેને આ દુર્ઘટનાથી માતાની છત્રછાયા ગુમાવવી પડી છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.